Gujarati Quote in Religious by Kamlesh

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

...#... ૧૦.ઉપનયન સંસ્કાર...#....

‘ઉપનયન’ શબ્દનો સામાન્ય અર્થ ગુરુ પાસે જઇ વિદ્યા ગ્રહણ કરવી એવો થાય છે. વૈદિક સમયમાં ગૃહસ્થાશ્રમમાં પ્રવેશતા પહેલા વ્યક્તિ બ્રહ્મચર્યાશ્રમમાં રહી ગુરુ પાસેથી જ્ઞાન અર્જિત કરતો. વેદારંભ કરતા પહેલા યજ્ઞોપવિત સંસ્કાર કરવો ફરજીયાત રહેતો. આ સંસ્કારનું મુખ્ય પ્રયોજન જ વિદ્યારંભ કરાવવાનું હતું. ગુરુકુલના અધિષ્ઠાતા ગુરુ વિદ્યાર્થી પાસે બ્રહ્મચર્યાશ્રમના નિશ્ચિંત નિયમોનું દૃઢતાપૂર્વક પાલન કરાવતા અને બ્રહ્મવિદ્યા ભણાવતા. સમય જતા ગુરુકુલોની પ્રાચિન પરંપરાનું અસ્તિત્વ જોખમાયું છે, ત્યારે કેવળ યજ્ઞોપવિત ધારણ કરવા પૂરતો જ આ સંસ્કાર કરવામાં આવે છે.

‘गर्भाष्टमेवर्षे कुर्वीत ब्राह्मणस्योपनयनम्‌ ।
गर्भादेकादशे राज्ञो गर्भाच्च द्वादशे विशः ।।’


સામાન્ય રીતે યજ્ઞોપવિત સંસ્કાર બાળકની આઠ વર્ષની ઉંમરે કરવામાં આવે છે. વૈદિક કાળમાં જે વ્યક્તિનો ધાર્મિક વિધિ અનુસાર યજ્ઞોપવિત સંસ્કાર ન થયો હોય એમને દ્વિજત્ત્વથી પતિત મનાતો અને ધાર્મિક તથા સામાજિક વિશેષાધિકારથી વંચિત રખાતો. સંજોગ વશાત્‌ જેને બાળપણમાં યજ્ઞોપવિત સંસ્કાર ન થઇ શક્યો હોય એમને ચોવિસ વર્ષની ઉંમર સુધી આ સંસ્કાર આપી શકાય છે.

ઉપનયન સંસ્કાર આપવાની વિધિ ભારે ધામધૂમથી ઉજવવામાં આવે છે. ઘરને શણગારવામાં આવે છે. આંગણામાં મંડપનું નિર્માણ કરવામાં આવે છે, દ્વાર ઉપર આસોપાલવના તોરણો બંધાય છે. મંગલ વાજીંત્રોના નાદ કરવામાં આવે છે, આ સમયે ઘરમાં ઉત્સવનો માહોલ ઉભો થાય છે.

ઉપનયનની પૂર્વ રાત્રિએ બાળકના શરીરે પીઠી ચોળવામાં આવે છે. સવારે માતા અને બાળક સાથે શિરામણ કરે છે. ત્યારબાદ બાળકનું મુંડન કરવામાં આવે છે. સ્નાન કરી બાળકને કૌપીન ધારણ કરાવવામાં આવે છે. પ્રારંભિક વિધિ-વિધાન પૂરા થયા બાદ બાળક આચાર્ય પાસે જઇ વિદ્યાભ્યાસની ઇચ્છા વ્યક્ત કરે છે. ત્યારે આચાર્ય બાળકને વસ્ત્ર અર્પણ કરી કટીમેખલા બાંધે છે. મેખલા ધારણ કર્યા પછી બાળકને જનોઇ પહેરાવવામાં આવે છે. એ પછી આચાર્ય વિદ્યાર્થીને આગળના કષ્ટમય જીવનને સૂચવતો પલાશનો દંડ અને મૃગચર્મ અર્પણ કરતા. દંડ આપવા પાછળ વેદરક્ષા કરવાનું કર્તવ્ય પણ સમાયેલું છે.
ત્યાર બાદ આચાર્ય બ્રહ્મચારીનો જમણો હાથ પકડી તેમનું નામ પૂછી અધ્યાપન માટે ગ્રહણ કરે છે. અગ્નિકુંડની પ્રદક્ષિણા કરી આચાર્ય ગાયત્રી મંત્રનો પ્રથમ ઉપદેશ આપે છે અને યજ્ઞીય અગ્નિને પ્રદિપ્ત કરી બ્રહ્મચારીના હસ્તે પ્રથમ આહુતિ અપાય છે. આજથી વિદ્યાર્થીજીવનનો પ્રારંભ થતો હોવાથી બ્રહ્મચારીના હાથમાં ભિક્ષાપાત્ર આપવામાં આવે છે અને બટુક માતા, કાકી, મામી, ફોઇ વગેરે પાસે ‘भवति भिक्षां देहि’ કહી પ્રથમ ભિક્ષા માગે છે. આજથી બાળકના જીવનમાં એક નવા જ સોપાનનો પ્રારંભ થાય છે. બાળક, બાળક મટી બ્રહ્મચારી બને છે.
ઉપનયન સંસ્કાર પ્રાચિન કાળમાં વિદ્યાર્થી જીવનના આરંભમાં થનાર એક મહત્ત્વનો સંસ્કાર ગણાતો. આજથી બાળક પુરુષાર્થની સાધના સોપાનો આપબળે ચઢવાના પાઠ શીખે છે. ગુરુકુલમાં વસતો બ્રહ્મચારી ધર્મનું સ્વરુપ સમજે છે, સ્વચ્છતા અને સદાચારનું શિક્ષણ મેળવે છે. ગુરુકુલમાં આરંભાયેલું શિક્ષણ એને સામાજિક કર્તવ્યોનો બોજ ઉઠાવવા તથા ધર્મપ્રધાન અર્થ તથા કામની સાધના માટે સક્ષમ બનાવે છે. ઉપનયન સંસ્કાર પછી જ વ્યક્તિ ત્રિકાલ સંધ્યા, દૈનિક સ્નાન, શરીરની શુદ્ધતા, વિવેકપૂર્ણ આહાર પ્રત્યે સજાગ બને છે. આજથી આત્માનુશાસન તથા ઇન્દ્રિયનિગ્રહ ફરજીયાત બને છે, તેમજ વૈયક્તિક તથા સામાજિક કર્તવ્યો પ્રત્યે સભાન બને છે.

વૈદિક કાળમાં ઉપનયન સંસ્કાર બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એમ ત્રણેય વર્ણના દરેક સંતાનોને અપાતો, તેથી કુમારને જીવન ઘડતર, સંયમ, સદાચારની તાલીમ મળતી. આજે આ સંસ્કાર કેવળ બ્રાહ્મણો પુરતો સીમિત થઇ ગયો છે અને એમાં પણ આજે આ સંસ્કાર કેવળ સમાજિક રૂઢિના પાલન માટે જ કરવામાં આવે છે. જે પ્રસંગ ચાર-પાંચ દિવસનો હતો તે થોડા કલાકોમાં પૂરો થઇ જાય છે અને કહેવા ખાતર ધારણ કરેલી જનોઇની મર્યાદા પણ સંપૂર્ણ જળવાતી હોય તેવું દેખાતું નથી. જ્યારે ઘણી જગ્યાએ યજ્ઞોપવિત ધારણ કરનારા ઉપવિતની સંપૂર્ણ મર્યાદાનું પાલન કરતા જોવા મળે છે, ત્યારે એ જોઇ ઘણો આનંદ થાય છે.
જનોઇ શરીરનું એક અદ્‌ભુત રક્ષાકવચ છે. જનોઇની રચના પણ અદ્‌ભુત છે. ત્રણ દોરાથી બનેલી જનોઇનો દરેક દોરો બીજા ત્રણ દોરા દ્વારા બનેલો હોય છે. કુલ નવ દોરામાં સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વાયુ વગેરે નવ દેવોનું આહ્વાન કરવામાં આવે છે. એ નવ દોરાને વિધિ પૂર્વક ત્રણ દોરામાં ભેગા કરી ત્રણેમાં બ્રહ્મા, વિષ્ણુ અને શિવજીનું આહ્વાન કરવામાં આવે છે. ભેગા થયેલા ત્રણ દોરાને પોતપોતાના ગૌત્ર, પ્રવર વગેરેની પરંપરાનુસાર એક, ત્રણ કે પાંચ બ્રહ્મગ્રંથી (ગાંઠ) મારવામાં આવે છે. આ રીતે બ્રહ્માંડના સર્વે અધિપતિઓથી રક્ષાયેલી જનોઇ પહેરનાર મલીન તત્ત્વોથી રક્ષાયેલો રહે છે.
જનોઇમાં રહેલા નવ દોરા પ્રેમ, માધુર્ય, સરળતા, પવિત્રતા, બ્રહ્મપરાયણતા, ઉદારતા, શિષ્ટાચાર, સત્સંગ, આળસનો ત્યાગ એમ નવ સદ્‌ગુણ ધારણ કરવાની પણ પ્રેરણા આપે છે. આ ઉપરાંત જનોઇના ત્રણ દોરા સત્વ, રજ, તમ ત્રણ ગુણ; શિયાળો, ઉનાળો, ચોમાસુ એ ત્રણ ઋતુ; બાળ, યૌવન, જરા એ ત્રણ અવસ્થા; બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ એ ત્રણ મુખ્ય આશ્રમ; સ્થૂળ, સૂક્ષ્મ, કારણ એ ત્રણ શરીર; જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એ ત્રણ અવસ્થા વગેરે ત્રિગુણાત્મક આ જગતથી પર થઇ ગુણાતીત થવાની પ્રેરણા આપે છે.
યજ્ઞોપવિત ધારણ કર્યા પછી શાસ્ત્રીય વિધિ-વિધાન તથા નિયમોનું અવશ્ય પાલન કરવું જોઇએ. યજ્ઞોપવિતની પૂર્ણરૂપે મર્યાદા જળવાઇ રહે તો એ અવશ્ય આપણી સર્વ પ્રકારે રક્ષા કરે છે.

આવતી પોસ્ટમાં આપણે જાણીશું અગિયારમા સંસ્કાર એવા "વેદારંભ સંસ્કાર" વિશે...

જય ભોળાનાથ...
હર હર મહાદેવ... હર...

Gujarati Religious by Kamlesh : 111753494
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now