...#...૦૯. કર્ણવેધ સંસ્કાર...#...
કર્ણવેધનો સરળ અર્થ છે, બાળકના કાન વિંધવા. સામાન્ય રીતે આ સંસ્કાર બાળકના જન્મ પછીના છઠ્ઠા મહિના બાદ ગમે ત્યારે થઇ શકે છે.
આ સંસ્કાર કરવાનો મુખ્ય ઉદ્દેશ બાળકને નિરોગી રાખવાનો છે. આધુનિક એક્યુપંચર પદ્ધતિ અનુસાર આ સંસ્કાર કેટલાય રોગોથી બચવા મદદરૂપ થઇ શકે છે, આભૂષણ ધારણ કરવાથી શરીરની સુંદરતામાં પણ વધારો થાય છે. શાસ્ત્રોમાં કર્ણવેધ ન થયેલ પુરુષને શ્રાદ્ધ આદિ ધાર્મિક ક્રિયામાં અધિકારી ગણવામાં આવતો નથી.
શુભ દિવસે પવિત્ર સ્થાનમાં દેવતાઓના પૂજન બાદ બાળકને સૂર્યની સન્મુખ બેસાડી મીઠાઇ ખવડાવી પ્રસન્ન કરાય છે. ત્યારબાદ ઉત્તમ વૈદ્ય અથવા તો સોની બાળકના કાન વિંધે છે. બાળક જો છોકરો હોય તો પ્રથમ જમણો કાન તથા છોકરી હોય તો પ્રથમ ડાબો કાન વિંધવામાં આવે છે. છોકરીઓના કાન વિંધ્યા બાદ નાક પણ વિંધવામાં આવે છે. ત્યારબાદ રૂ અથવા સોનાની સળી દ્વારા છિદ્રોમાં તેલ મૂકાય છે. આ સંસ્કાર વખતે નિચેનો મંત્ર બોલાય છે.
भद्रं कर्णेभिः श्रृणुयाम देवा भद्रं पश्येमाक्षभिर्यजत्राः ।
स्थिरैरंगैस्तुष्टुवां सस्तनूभिर्व्यशेमहि देवहितं यदायुः ।।
કર્ણવેધ થઇ ગયા બાદ કાન તથા નાકમાં સુવર્ણના આભૂષણો પહેરાવાય છે. આ ક્રિયા પાછળ મોટું વિજ્ઞાન છુપાયેલું છે. નાક તથા કાનને વિંધવાથી મસ્તકમાં લોહીનું ભ્રમણ સરળ બને છે, દરેક કોષોને સરળતાથી લોહી મળતા તે સક્રિય રહે છે. નાકમાં આભૂષણ પહેરવાથી શ્વાસોશ્વાસની ક્રિયા સુગમ બને છે તથા નાક સંબંધી રોગોથી રક્ષણ થાય છે. ખાસ કરીને સ્ત્રીઓ જો કાનમાં આભૂષણ પહેરે તો માસિકધર્મ નિયમિત રહે છે. એમાં પણ પહેરેલા આભૂષણ સોનાના હોય તો વધારે લાભદાયી બની રહે છે. સૂર્યના કિરણો જો નાક-કાનના છિદ્રમાંથી પસાર થાય તો બાળક તેજ સંપન્ન બને છે.
બાળકની પ્રકૃતિ સહજ ચંચળ હોય છે. એ ચંચળતાને દૂર કરવા બાહ્ય અનુશાસન જરૂર પડે છે. પરંતુ ક્યારેક બાહ્ય અનુશાસનની અસર વિપરિત પડતી હોય છે, માટે ઋષિઓએ કર્ણવેધનો અનોખો ઉપાય શોધી કાઠ્યો. આ સંસ્કારથી બાળકની માનસિક ચંચળતા ઓછી થાય છે અને સ્થિરતા આવે છે.
ચિત્તગત ચંચળતાની પ્રેરક અને પોષક કેટલીક નાડીઓ કાનમાંથી પસાર થતી હોય છે. જેમ પાણીની પાઇપને વચ્ચેથી કાપી નાખતા પ્રવાહ સામે છેડે પહોંચતો નથી, એ જ રીતે એ ચંચળતા પ્રેરક નાડીઓનો વેધ કરવાથી બાળકની ચંચળ પ્રકૃતિને મળતું પોષણ બંધ થાય છે અને બાળક શાંત, સ્થિર અને એકાગ્ર બને છે. આજે જે એક્યુપંચર પદ્ધતિ છે એ આ જ ક્રિયાને સૂચવે છે.
બાળકનો વિદ્યાભ્યાસ શરુ થાય એ પહેલા તેની ચંચળતા ઓછી કરવી અતિ આવશ્યક છે. આજે વિદ્યાભ્યાસથી નાસીપાસ થવાનું અથવા નિષ્ફળ જવાનું કારણ ચિત્તની ચંચળતા જ છે, ત્યારે આ સંસ્કાર બાળકના જીવનઘડતરનું અગત્યનું અંગ બની રહે છે.
આજે આ સંસ્કારનું મહત્ત્વ મોટા ભાગે વિસરાઇ ગયું છે. જ્યાં આ સંસ્કાર થાય છે ત્યાં કેવળ આભૂષણ ધારણ કરવા પૂરતો જ થાય છે. એમનો ધાર્મિક મર્મ સાવ વિસરાઇ ગયો છે.
આવતી પોસ્ટમાં આપણે જાણીશું દસમાં સંસ્કાર એવા "ઉપનયન સંસ્કાર " વિશે...
જય ભોળાનાથ...
હર હર મહાદેવ... હર....