...#...૦૮. ચૂડાકરણ સંસ્કાર...#...
‘चूडानां केशपाशानां करणं संस्कारो येन कर्मणा तच्चूडाकरणम् ।’
‘ચૂડા’ એટલે શિખા-ચોટલી. માથાના વાળનું મુંડન કરી શીખા ધારણ કરવાની ક્રિયાને ચૂડાકરણ સંસ્કાર કહેવાય છે. જન્મ સમયથી મસ્તક ઉપર રહેલા વાળનું પ્રથમવાર કર્તન કરવું એ આ સંસ્કારનું મુખ્ય પ્રયોજન છે. ધર્મશાસ્ત્રો અનુસાર દીર્ઘ આયુ, સૌંદર્ય અને કલ્યાણની પ્રાપ્તિ આ સંસ્કારનું બીજુ પ્રયોજન છે.
‘तृतीये वर्षे चौलं यथाकुलधर्म वा ।
कुलधर्मोपदिष्टे वा काले चौलं कार्यम् ।।’
ચૂડાકરણ સંસ્કાર જન્મ પછીના એક વર્ષથી ત્રણ વર્ષ સુધી ગમે ત્યારે કરી શકાય. સામાન્ય રીતે ઉત્તરાયણમાં આ સંસ્કાર થઇ શકે. ચૂડાકરણ દિવસે કરવામાં આવે છે. જો બાળકની માતા ગર્ભવતી હોય તો ગર્ભાવસ્થાના પાંચમાં મહિના પછી આ સંસ્કાર કરી શકાય છે.
વૈદિક સમયમાં આ બધા સંસ્કારો શુભ મુહૂર્તમાં ઘરના પવિત્ર વાતાવરણમાં અથવા દેવાલયોમાં થતાં. આજે ચૂડાકરણ સંસ્કાર લગભગ મંદિરોમાં થાય છે. કારણ કે દેવસ્થાન અથવા પવિત્ર સ્થાનમાં થયેલ સંસ્કારને કારણે બાળકના કુસંંસ્કારોનું શમન થાય છે તથા બુદ્ધિ, બળ, આયુ અને તેજની વૃદ્ધિ થાય છે.
ચૂડાકરણ સંસ્કાર પ્રારંભે સંકલ્પ, ગણેશપૂજન, મંગલશ્રાદ્ધ વગેરે કરાતા. બ્રાહ્મણ ભોજન બાદ માતા બાળકને સ્નાન કરાવતી. પિતા યજ્ઞમાં આહુતિ આપી મંત્ર સાથે બાળકના માથા ઉપર જલ છંટકાવ કરી અસ્ત્રા વડે કેશોનું છેદન કરતો. કાપેલા વાળ સાથે માટીનો પિંડ તળાવમાં નંખાતો. બાળકના જન્મ સમયે માથાના વાળ આછા હોય છે, કારણ કે રોમછિદ્રો હજુ બરાબર ખુલ્યા હોતા નથી. એકવાર મુંડન કરવાથી બંધ છિદ્રો ખૂલી જાય છે અને ઘાટા વાળ ઉગે છે. માથા ઉપરના વાળ ઘાટા, મજબૂત અને સ્વચ્છ હોય તો માથાની સુરક્ષા વધી જાય છે.
શિખા રાખવાનું કારણ બતાવતા શાસ્ત્રો કહે છે, કે શિખા બ્રહ્મરંધ્રનું રક્ષણ કરે છે. સૂર્ય તથા પ્રકૃતિમાંથી ઉઠતી દિવ્ય શક્તિઓ શિખા દ્વારા શરીરમાં ખેંચાય છે અને શરીરસ્થ ઉર્જાનો દુર્વ્યય થતો અટકે છે. તેથી જ મહાપુરુષો પોતાના મસ્તક ઉપર શિખા અથવા તો જટા રાખે છે. શિખાના સ્થાને શરીરની મુખ્ય સુષુમ્ણા નાડી પસાર થાય છે, તથા એ સ્થાને બ્રહ્મરંધ્ર પણ આવેલું છે. આ ઉપરાંત શરીરની તમામ નાડીઓનું કેન્દ્રસ્થાન મસ્તક છે, જ્યાથી દરેક જ્ઞાનેન્દ્રિયો તથા કર્મેન્દ્રિયો કાર્યરત થાય છે. માટે મનુષ્યશરીરના મહત્ત્વના અંગ એવા મસ્તકનું રક્ષણ કરવું એ ખૂબ જરુરી છે. એ રક્ષણ કરવામાં શિખા મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે.
આમ ચૂડાકરણ સંસ્કાર સંપન્ન થાય છે.
આ સંસ્કાર ને મુંડન સંસ્કાર પણ કહે છે...
આવતી પોસ્ટમાં આપણે જાણીશું નવમા સંસ્કાર એવા "કર્ણવેધ સંસ્કાર" વિશે...
જય ભોળાનાથ...
હર હર મહાદેવ... હર...