...#...૦૭. અન્નપ્રાશન સંસ્કાર...#...
સોળ સંસ્કારમાં સાતમો સંસ્કાર છે ‘અન્નપ્રાશન.’ આ સંસ્કાર બાળકની શારીરિક આવશ્યક્તાની પૂર્તિ સાથે સંબંધ ધરાવે છે. બાળક સામાન્ય રીતે છ-સાત માસનું થાય ત્યાં સુધી ફક્ત માતાના દૂધથી જ પોષણ મેળવતું હોય છે. એ પછીના સમયથી બાળકની શારીરિક અને માનસિક વૃદ્ધિ માટે વધારે પોષણયુક્ત ખોરાકની જરુર પડે છે. એ જરુરિયાતને પૂરી કરવા બાળકને ખોરાકનો સહારો આપવાની વિધિપૂર્વક પ્રથમ શરુઆત કરવી એ જ અન્નપ્રાશન સંસ્કાર છે.
‘अन्नस्य प्राशनं कार्यं मासि षष्ठेऽष्टमे बुधेः ।’
શાસ્ત્રોમાં અન્નને પ્રાણીઓનો પ્રાણ કહ્યું છે. શુદ્ધ, સાત્ત્વિક અને પૌષ્ટિક અન્નથી જ શરીર અને મન સ્વસ્થ રહે છે. આહાર શુદ્ધ હોય તો જ અંતઃકરણ શુદ્ધ બને છે. આથી બાળક આખી જિંદગી શુદ્ધ અને સાત્ત્વિક અન્નનું જ ગ્રહણ કરે તેવા હેતુથી ધાર્મિક વિધિ સાથે છઠ્ઠા કે સાતમાં મહિને અન્નપ્રાશન સંસ્કાર કરવામાં આવે છે.
અન્નપ્રાશનનો અર્થ બાળકને તેજસ્વી, શૂરવીર, મેધાવી બનાવવાનો છે.
ભાત રાંધી એમાં દહીં, ઘી અને મધ મેળવી બાળકને પ્રથમ ભોજન કરાવવામાં આવે છે. ત્યાર બાદ પચવામાં સરળ અને શક્તિપ્રદાન કરનારો ખોરાક થોડા પ્રમાણમાં આપવામાં આવે છે. બાળકને નવા દાંત આવતા હોવાથી શરીરમાં ક્ષાર તત્ત્વની જરૂરિયાત ઉભી થાય છે. જો ખોરાકમાં યોગ્ય પ્રમાણમાં ક્ષાર ન મળે તો બાળક માટી ખાવા પ્રેરાય છે, કારણ કે માટીમાં પુષ્કળ પ્રમાણમાં ક્ષાર રહેલો હોય છે. માટે ક્ષારયુક્ત ખોરાક પણ પ્રમાણસર બાળકને પૂરો પાડવો જોઇએ.
અન્નપ્રાશન સંસ્કાર કરવાના દિવસે વૈદિક મંત્રગાન સાથે પવિત્રપણે ભોજન પકાવાય છે. યજ્ઞમાં દેવોને આહુતિ અપાય છે. યજ્ઞ આહુતિ બાદ બાળકના પિતા બાળકના મોઢામાં પ્રસાદરુપી અન્ન મૂકે છે. બ્રહ્મભોજન સાથે આ સંસ્કાર પૂર્ણ થાય છે.
છ-સાત મહિનાના બાળકની પાચનક્રિયા પણ પ્રબળ બનતી જાય છે. આવા સમયે બાળક જે પ્રકારનું અન્ન ખાય છે, એ જ પ્રકારનું તેના તન-મનનું બંધારણ બંધાય છે. મનુષ્યના આચાર, વિચાર, આકાંક્ષા વગેરે અન્ન ઉપર જ નિર્ભર રહે છે. અન્ન જ મનુષ્યનું સ્વાભાવિક ભોજન છે, માટે ભોજનને ભગવાનનો પ્રસાદ માની ગ્રહણ કરવું જોઇએ.
કહે છે ને કે, ‘અન્ન તેવું મન’ અને ‘આહાર તેવો ઓડકાર.’
મહાભારતનો એક પ્રસંગ અન્નના પ્રભાવ વિશે ઘણું બધું કહી જાય છે.
બાણશય્યા ઉપર સૂતેલા પિતામહ ભીષ્મ પાંડવોને ઉપદેશ આપી રહ્યા હતા. એ સમયે અચાનક દ્રૌપદી હસવા માંડે છે. પિતામહે હસવાનું કારણ પૂછતા દ્રૌપદી જણાવે છે કે, “પિતામહ ! આપના ઉપદેશોમાં ગહન ધર્મનો મર્મ છૂપાયેલો છે. તમારી વાત સાંભળતા સાંભળતા મને કૌરવોની એ સભા યાદ આવી, જેમાં મારા વસ્ત્રોનું હરણ થઇ રહ્યું હતું. હું રાડો પાડી ન્યાયની ભીખ માગતી હતી, પરંતુ આપ જેવા ધર્માત્મા પુરુષ એ સમયે શાંતિથી બેઠા હતા. આપે દુર્યોધનને એ સમયે કેમ સમજાવ્યો નહીં ? એ જ વાતનો વિચાર આવતા મને હસવું આવ્યું.”
દ્રૌપદીની વાત સાંભળી પિતામહ ગંભીરતાથી બોલ્યા, “બેટા ! એ સમયે હું દુર્યોધનનું અન્ન ખાઇ રહ્યો હતો. જેવો કુમતિ ભર્યો દુર્યોધનનો સ્વભાવ હતો, એવો જ સ્વભાવ એમનું અન્ન ખાવાથી એ સમયે મારો હતો. પરંતુ અત્યારે અર્જુનના બાણ વાગવાથી પાપના અન્નથી બનેલ લોહી વહી ગયું છે અને મારા વિચારો શુદ્ધ થયા છે. એટલા માટે આ સમયે હું ધર્મ સંબંધી વાતો કરી રહ્યો છું.”
આવો છે અન્ન ખાવાનો પ્રભાવ. એટલા માટે જ સુસંસ્કારિત અન્ન અને શુદ્ધ વિચાર સાથે બાળકનો "અન્નપ્રાશન સંસ્કાર" કરવામાં આવે છે.
આવતી પોસ્ટમાં આપણે જાણીશું આઠમા સંસ્કાર એવા "ચૂડાકરણ સંસ્કાર" વિશે.
જય ભોળાનાથ...
હર હર મહાદેવ... હર...