...#....(૧)ગર્ભધાન સંસ્કાર...#....
સોળ સંસ્કારોમાં પહેલા ત્રણ સંસ્કારો બાળકના જન્મ પહેલાના છે.તેમાંનો પ્રથમ ગર્ભધારણ સંસ્કાર અતિ મહત્ત્વનો છે.
‘गर्भ आधीयते येन कर्मणा तद् गर्भाधानम्’
રજસ્વલા ધર્મનું પાલન કર્યા પછી શુદ્ધ થયેલી ધર્મપત્ની પાસે ઇષ્ટદેવના નામસ્મરણ સાથે જવું,તેને ગર્ભાધાન સંસ્કાર કહેવામાં આવે છે.
જેવી રીતે ખેતીમાં યોગ્ય બીજની પસંદગી,યોગ્ય સમય અને સંજોગો સાથે વાવેતર કરવાથી ઉત્તમ અને મહત્તમ ઉત્પાદન મેળવી શકાય છે,એ જ રીતે ગર્ભાધાન સંસ્કાર યોગ્ય રીતે થાય તો સંતાન ઘણી દૃષ્ટિએ ઉત્તમ બની શકે છે.
આજના વિજ્ઞાન યુગના સંશોધન પ્રમાણે પુરુષ કે સ્ત્રીમાં હાલમાં જે અંડબીજ અને શુક્રબીજ હોય છે,એના ઉપર ઓછામાં ઓછા પાછલા એક મહિનાના આહાર-વિહાર અને વિચારની સ્પષ્ટ અસર જોવા મળે છે.એનો અર્થ એ થયો કે,"ગર્ભાધાન પહેલા સ્ત્રી-પુરુષે ઓછામાં ઓછું એક મહિના સુધી સંયમ પાળવું જોઇએ." ઉત્તમ સંતાન પ્રાપ્તિ માટે આ સમયમાં ધાર્મિક અને સારા વિચારો કરવા જોઇએ.આપણા શાસ્ત્રોમાં ઉત્તમ સંતાન પ્રાપ્તિ માટે વિશિષ્ટ યજ્ઞો તેમજ તપ કરવામાં આવતા, એવા અસંખ્ય ઉદાહરણો મોજૂદ છે.
જેવા કે રાજા દશરથે સંતાન પ્રાપ્તિ માટેનો વિષ્ણુયાગ કર્યો,જેનાથી ચાર મહાન પુત્રોની પ્રાપ્તિ થઇ હતી.
રાજા દિલીપે વશિષ્ઠના આશ્રમમાં ગાયનું દૂધ પીને ઉગ્ર તપ કર્યું,જેનાથી તેમને ત્યાં "કોણ" નામનો પરાક્રમી પુત્ર અવતર્યો હતો.
ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મિણીએ બદરીકાશ્રમમાં બાર વર્ષ સુધી ઉગ્ર તપ કર્યું,તેથી તેમને ત્યાં પ્રદ્યુમ્ન જેવા કૌશલ્યવાન પુત્રનો જન્મ થયો હતો.
છાંદોગ્ય ઉપનિષદમાં ગર્ભાધાનની વિસ્તૃત છણાવટ કરવામાં આવી છે...
अहिरसि, आयुरसि, सर्वतः प्रतिष्ठासि ।
धाता त्वा दधातु विधाता त्वा दधातु ब्रह्मवर्चसा भवेति ।।
ब्रह्मा बृहस्पतिर्विष्णुः सोमः सूर्यस्तथाश्विनो ।
भगोथ मित्रावरुणो वीरं ददतु मे सुतम् ।।
અર્થાત્ કે,
"હે આવનાર આત્મા !ભગવાન તને બ્રહ્મજ્ઞાનના તેજથી પૂર્ણ બનાવીને મોકલે,હે સમગ્ર બહ્માંડના દેવો !મને વીર અને સર્વગુણ સંતાન પ્રાપ્ત થાઓ."
એટલા માટે જ વિચાર,વાણી અને વર્તનની પવિત્રતા, ઇષ્ટદેવનું સ્મરણ તથા પ્રાર્થના સાથે થયેલું ગર્ભાધાન ઉત્તમ પરિણામ આપે છે.
એનાથી વિરુદ્ધ વિષયવાસના સાથે થયેલ ગર્ભસંસ્કાર નઠારું પરિણામ લાવતું હોય છે.
ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં કહે છે.
‘धर्माऽविरुद्धो भुतेषु कामोऽस्मि भरतर्षभ ।’
"ધર્મથી અવિરુદ્ધ કામ અર્થાત્ ધર્મશાસ્ત્ર દ્વારા માન્ય થયેલ કામ ભગવાનની જ એક વિભૂતિ છે."
સૃષ્ટિચક્રનો પ્રવાહ અવિરત વહેતો રહે તથા પિતૃઋણમાંથી મુક્તિ મળે તેવા હેતુથી આપણા શાસ્ત્રોમાં કામને પવિત્ર ગણવામાં આવ્યો છે.
આ દુનિયાનો લગભગ કોઇ મનુષ્ય કામથી મુક્ત થઇ શકતો નથી.સૃષ્ટિ સર્જનનું પ્રાથમિક બિંદુ જ કામ છે. એનાથી જ આ સૃષ્ટિપ્રવાહ અવિરત વહ્યા કરે છે.કામ ઇશ્વરીય શક્તિ છે, નવસર્જન કરવાની ઉર્જા છે. માટે એ શક્તિને પવિત્રતાથી સ્વિકારવી જોઇએ.એના તરફ અતિશય ઘૃણા પણ ન હોવી જોઇએ કે અતિશય આકર્ષણ પણ ન હોવું જોઇએ.તેને માત્ર મોજશોખ કે મનોરંજન માટે જ સ્વીકારવામાં આવે તો તેમાં રહેલી પવિત્રતા નષ્ટ પામે છે અને જીવની અધોગતિ થાય છે.
# ગર્ભાધાન સમયે અચૂક અનુસરવા જેવી વાતો:-
* ગર્ભાધાનના છ મહિના પહેલા જ દિનચર્યામાં ધ્યાન, પ્રાર્થના, સદ્વિચાર, યોગ, પ્રાણાયામ નિયમિત કરો.
* આહાર, વિહાર અને વિચાર શુદ્ધ રાખો.
* તમામ વ્યસનોનો સંપૂર્ણ ત્યાગ કરી દ્યો.
* ટી.વી., સિનેમા જોવાનું સાહસ ભૂલ્યે પણ ન કરો.
* દ્વેષ-ક્રોધાદિક દુર્ગુણોને નિયંત્રણમાં રાખો.
* ઘરનું વાતાવરણ પવિત્ર અને શુદ્ધ રાખો.
* ઉત્તમ પુસ્તકો અથવા તો વેદોનું અધ્યયન કરો.
આ બધી વાતોનું સંયમ પૂર્વક પાલન કરવામાં આવે તો આવનાર જીવનું ઉચ્ચતમ કોટીનું બનવું નિશ્ચિત છે...
# આવતી કાલે આપણે દ્વિતિય સંસ્કાર એટલે કે "પુંસવન સંસ્કાર" વિશે વિસ્તૃત જાણકારી મેળવશું...
ત્યાં લગી સૌને
જય ભોળાનાથ...
હર હર મહાદેવ.... હર....