ઈશ-મિતાનાં સંવાદો
'બોલ ને કંઈક !'
--એ ઈશ ! કંઈક બોલ ને !
--કેમ ?
તુૃં થાકી ગઈ લાગે છે આજે બોલી બોલીને !
કોઈએ દાદ ન આપી ને તને?
--હું દાદ મેળવવા થોડી બોલતી રહું છું?
તને યાદ છે, આપણે વાતો કરતાં ત્યારે તુૃં સાવ ચૂપ રહેતો, તોય હું કેટલું બધું કીધા કરતી'તી તને !
અને પછી તુૃં મને બચ્ચા ને ડોબી ને પાગલ કહી સંબોધતો, ત્યારે મજા પડી જતી મને.
આઈ એમ શ્યોર, તુંય હસી પડતો હોઈશ, નહીં !
--હા. ક્યારેક તારી નાદાની પર બહુ હસુ આવતું મને.
અને ક્યારેક, ગુસ્સો આવતો.
--ગુસ્સો કેમ ?
હું તો તારી એકેએક વાત માનતી હતી ને ઈશ. તો પણ તને ગુસ્સો આવતો?
--હાસ્તો ! ગુસ્સો ન આવે તો શું આવે?
તુૃં જ્યારે કહેતી ને, કે તુૃં સમજદાર નથી, ત્યારે બહુ ગુસ્સો આવતો.
તારી એ વાત પર નહીં, બલ્કે એ હકીકત પર કે તુૃં ખરેખર સમજદાર નથી જ.
સમજદાર હોત તો...
--તો ?
બોલ ને.
ચૂપ કેમ થઈ ગયો ઈશ?
--તુૃં સમજદાર હોત ને મિતા ! તો મને આમ વારંવાર તારામાંથી ખેંચીને બહાર ન કાઢતી હોત.
હજીય હું જવાબ આપીશ એમ ધારીને તારા અનમોલ શબ્દોને મારી પાછળ ન વેડફતી હોત.
ક્યારેય ન મળી શકવાની નિયતિને રાત રાતભર જાગીને ન પડકારતી હોત.
ઘડીકમાં હસવું ને ઘડીકમાં રડવું, ને એમ નકામું નકામું ન જીવતી હોત.
અને આટલું બધું કહી-સાંભળીને હૈયાનાં અંધારા, ચીસો પાડતાં ભયાનક ભંડકિયામાં ફરી મને ધરબી ન દેતી હોત.
--તને ત્યાં બીક લાગે છે ઈશ ?
--ક્યાંથી બીક લાગે મિતા !
તારું ગુંજન ગુંજ્યાં કરતું હોય છે ને સતત.
કંઈ ને કંઈ ગણગણતી રહે છે ને તુૃં.
એ સાંભળ્યા કરું છું હું ને બધો ડર તારી ધડધડ કરતી છાતી ફાડીને નીકળી જાય છે, આરપાર...
--ક્યાં ?
ક્યાં જતો રહે છે એ ડર?
--સરી પડે છે પોતે જ ડરીને.
પૂરાઈ જાય છે તારી સતત ઝળહળતી, ધસમસતાં પૂરને ધરાર અટકાવી રાખતી, ભીની કોરવાળી આંખોમાં.
જ્યારે ચૂપ થઈ જાય છે ને તુૃં ત્યારે બીક લાગવા માંડે છે મને.
-- ... ... ...
--નથી ને કોઈ જવાબ?
એટલે જ તો કહ્યું, તુૃં સમજદાર નથી મિતા.
તુૃં સમજદાર નથી.