ફોનની રીંગ વાગતા યશોદાબેને ફોન ઉપાડયો...
" હલ્લો..! "
સામેથી દિકરી સેજલનો અવાજ સાંભળતાજ ચેહરા પર ખુશીની લહેર આવી ગઈ.
" સેજલ ..! કેમ છો બેટા..? મજામા..? "
"હા ...મમ્મી, હું મજામાં, પપ્પા, ભાઈ-ભાભી, રેણુ બધા મજામાં...? "
" હા.. બેટા બસ બધા મજામાં..આ જોને તારી ભાભી... રોજ ટોકવાની એક કામ સીધુ નથી થાતુ એનાથી.. ( કપાળે હાથદેતા આગળ બોલ્યા, ) કંઈ શીખવાડ્યું નથી માં એ..."
સેજલ આગળ કંઈ બોલવાની કોશિશ કરતી અટકી ગઇ, અને પાછળથી ઝીણો અવાજ આવ્યો .. ..
" કેવું શાક બનાવ્યું છે ..? માં એ કંઈ શીખવાડયું નથી લાગતુ."
સેજલની સાસુનો અવાજ હતો. એ સેજલની નણંદ રીચાને કેહતી હતી. સેજલ ફોન મુકી વિચારતી રહી. મારી જેમ ભાભી પણ એના પિયરમાં મજામાં હોવાનો અભિનય કરતા હશેને. અને ભાભી જ નહીં કયારેક ભૂતકાળમાં મમ્મી અને સાસુને પણ આ અભિનય કરવો પડ્યો હશે... મજામાં નો અભિનય તો હર દિકરીના લોહીમાં હશે..! હર દિકરી જ નહીં હર સ્ત્રીના લોહીમાં હોય છે. સંબંધોના રંગમંચ પર લાગણી નામના નાટકમાં મજામાંનું પાત્ર નિભાવતી એ દિકરીનો અભિનય ..... વાહ..વાહ...!
🙏 જય શ્રીકૃષ્ણ 🙏
✍ડોલી મોદી 'ઊર્જા '
ભાવનગર
-Doli Modi..ઊર્જા