*ખૂટીના ગુલામ*
ડોગી: માલીક, તમને કંઈક પૂછું?
માલીક: તું ક્યારથી બોલવા લાગ્યો?
ડોગી: જયારથી તમે ચૂપ રહેવા લાગ્યા છો ત્યારથી.
માલીક: પણ હું તો બોલું છું.
ડોગી: મોબાઈલમાં ઘુસ્યા છો ત્યારથી તમારો અવાજ ક્યાં સાંભળ્યો છે?
માલીક: વધારે વાયડો ના થા. પૂછ જે પૂછવું હોય તે.
ડોગી: હું તો મજબૂર છું. તમે જેટલી સ્વતંત્રતા આપો છો, એટલુંજ ફરી શકું છું. નહીંતર અહીં મારી ખુટીથી બંધાયેલો હોઉં છું. પણ તમને કોણે એક જગ્યાએ બેસાડી રાખ્યા છે?
માલીક: હું કોઈનો બંધાયેલો નથી. હું મારી મરજીથી બેઠો છું. ગેમ રમું, ફોન કરું, મેસેજ કરું, વીડિયો જોઉં, મારા કેટલા કામ થાય છે મોબાઈલ પર, તને શું ખબર!
ડોગી: પણ હું તો તમને આખો દિવસ અહીજ બેઠેલા જોઉં છું. તો જે કામમાં ઉભું થવું પડે, ક્યાંક જવું પડે, તો એ ક્યારે કરો છો?
માલીક: એમા થોડી ઢીલ થઈ જાય છે, પણ એટલું તો ચાલે.
ડોગી: તમારા કોઈ વાસ્તવિક દોસ્ત છે, કે એ પણ બધા આ મોબાઈલમાં ભર્યા પડ્યા છે?
માલીક: શું વાત કરી રહ્યો છે? સો થી પણ વધુ છે.
ડોગી: રિયલ! સાચા ! જિન્દગીમાં.
માલીક: હા યાર. બે છે, પણ એ લોકોને હું કેટલા સમયથી મળી નથી શક્યો.
ડોગી: ફક્ત એક દિવસ માટે જો તમને મોબાઈલ વગર રહેવું પડે તો કેવું લાગે?
માલીક: ગાંડો થઈ ગયો છે? એક વાર બૈરી વગર જીવી લઉં, પણ મોબાઈલ તો મારી જાન છે.
ડોગી: તો તમારામાં અને મારામાં કાંય વધારે ફરક નથી.
માલીક: શું બોલ્યો? ભાન છે કે?
ડોગી: મને ફરવું ગમે છે, પણ ખુટીએ બંધાયેલો છું. તમે ફરી શકો છો, તોએ પોતાની જાતને પોતાની જ ખૂટી થી જકડી રાખ્યા છે. આપડે બન્ને ખુટીના ગુલામ.
*શીમમ મર્ચન્ટ, મુંબઈ.*