કહી દાગ ન લગ જાયે........
લેખક: વિજય રાવલ
'અરે..સમીર ક્યાં છે તું ? ૯:૩૦ થવા આવ્યા ઇટ્સ ટુ લેઇટ ડીયર. અને આ શેનો આટલો અવાજ આવે છે ?’
સંજનાએ પૂછ્યું
‘સંજના, હું કારમાં છું, જસ્ટ નાઉ એક ઈમરજન્સી મીટીંગનું પ્લાનીગ થયું છે. હું પાર્ટીની સાથે છું. ઘરે આવતાં જરા મોડું થઇ જશે, હું પાર્ટી સાથે જ ડીનર કરીને આવીશ. નીકળતા તને કોલ કરું છું. ઓ.કે.’
નવાઈ સાથે સંજના મોબાઈલ સોફા પર મુકતા વિચારવા લાગી કે, હદ કરે છે આ માણસ. છેલ્લાં છ મહિનાથી, એક પ્રમોશન માટે દિવસ રાત જોયા વગર ઊંધા માથે આંખ મીંચીને બોસના ઓર્ડરને ફોલો કર્યે જ જાય છે.
પાવર,પ્રસિદ્ધિ અને પૈસાની કેટલી ભૂખ છે આ માણસ ને? અને બોસ પણ આને ઘાંચીના બળદની જેમ ફેરવી ફેરવીને આનું તેલ કાઢી નાખે છે,
અને આ અમારા પોઠિયાને ક્યાં કંઈ ગતાગમ પડે છે. આજે આવે એટલી વાર છે ચોક્ખે ચોખ્ખું કહી જ દેવું છે, કા હું નહી, ને કા એ બોસ નહી, બસ.
સંજના અજમેરા. સમીર અજમેરાની ધર્મપત્ની. સાતેક વર્ષ થયાં લગ્નજીવનને પણ, સંજના, સમીરને સંતાન નહતી આપી શકી.અને આ બાબતને લઈને કયારેય સમીરની વાણી કે વર્તનમાં કોઈ અણગમાંનો અણસાર નહતો આવ્યો કે, કયારેય સંજનાને ઓછુ આવવા નહતું દીઘું. સમીરની આ સારપને લઈને સંજના મનોમન પહેલાં સમીરનો અને પછી ઈશ્વરનો ઉપકાર માનતી.
આશરે રાત્રે ૧૧:૫૦ એ સમીર આવ્યો. તેના ચહેરા અને હાલ હવાલ પરથી જ લાગતું હતો કે તે ખુબ થાકેલો છે. સંજનાએ સમીરના હાથ માંથી ઓફીસ બેગ લેતાં જ સમીર, સંજનાને ગળે વળગીને તેની બાહુપાશમાં લઇ લીધી. બે મિનીટ સુધી બસ ચુપચાપ સંજનાના કમર ફરતે હાથ વીંટાળીને ઊભો જ રહ્યો. સંજના પણ એકદમ અચનાક સમીરના આવાં બિહેવિયરથી ભાવ વિભોર થઇ ગઈ. હજુ સંજના કંઇક બોલે તે પહેલાં સમીર બાથરૂમ તરફ જતાં બોલ્યો,
‘હું ફ્રેશ થઈને આવું છું.’
૧૦ મિનીટ પછી ફ્રેશ થઈને રીતસર બેડ પર ફસડાઈ ને પડ્યા પછી આંખો મીંચીને પડી રહ્યો.
એટલે સંજના બાથરૂમમાં ગઈ.
બે જ મિનીટમાં બહાર આવી લાઈટ ઓફ કરીને ચુપચાપ સમીરની બાજુમાં પડી રહી.
સમીર ગાઢ નિંદ્રામાં સરી જવાની તૈયારીમાં જ હતો, ત્યાં બંધ આંખો એ ઘેનમાં જ બોલ્યો.
‘સંજના ટુ ડે આઈ એમ સો હેપ્પી. ફાઈનલી આજે છ મહિના પછી મારી બોસ ઇન્દ્રાણી મુખરજીએ મને ખુશ થઈને પ્રમોશન આપી જ દીધું, આજે... આજે ઇન્દ્રાણીએ મારા કામથી ખુશ થઈને છેવટે સરપ્રાઈઝ આપ્યું ખરું. શી ઈઝ.... બાકીની વાત હું તને કાલે કહીશ.... હવે હું...’
આગળના શબ્દો બોલે એ પહેલાં સમીર ખુશીનો માર્યો નિંદ્રામાં ઢળી પડ્યો
બાકીના શબ્દો...
બાથરૂમમાં લટકતાં સમીરના સફેદ શર્ટ પરના લિપસ્ટિકના દાગ બોલતા રહ્યા અને બાળતાં રહ્યા આખી રાત.....
સંજના ને
પ્રમોશનની સરપ્રાઈઝ આપતાં.
#kavydrishty
-વિજય રાવલ ૧૭/૦૮/૨૦૨૦