ઘણા સમય થી રાહ જોતો હતો રક્ષાબંધન ની અને મારી પાસે આમ તો ઘણી સારી એવી રચનાઓ છે ભાઇ અને બહેના સંબંધ વિશે પણ આજે મારે વાત કરવી છે કે એક દાદીમાઁ એના પૌત્રને જ્યાંરે રણભૂમિ માં મોકલે છે ત્યારે એ દાદી પૌત્રને રાખડી બાંધે છે અને એના અનુરૂપ એક મહાકાવ્ય રચાયું હતું જે અત્રે પ્રસ્તુત કરવાનો ખુબ જ સારો એવો મોકો મળ્યો છે મને અને મને ઘણોઆનંદ થાય છે કે આ મહાકાવ્ય મેં મારા દાદા પાસેથી જાણ્યું હતું જ્યારે હું પાંચ વર્ષનો હતો ત્યારે,
તો ચાલો આપણે વાંચીએ કે શું રાખડી બહેન જ બાંધી શકે....??????
રાખડી બહેન જ બાંધે?
આ જે ઘણા ઘર એવા હશે, જ્યાં બહેન નહીં હોય તો પણ રાખડી બંધાશે. કેમ કે બહેન જ રાખડી બાંધે એવુ જરૂરી નથી. એ વાતનો પૂરાવો ગુજરાતીમાં વર્ષોથી ગવાતુું ગીત, કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે... આપે છે. કુંતા અભિમન્યુના બહેન ન હતા, દાદી હતા, અભિમન્યુના પિતા અર્જૂનના માતા હતા. જ્યારે રણમેદાનમાં દુશ્મનોના દાંત ખાંટા કરવા માટે અભિમન્યુ ઉતર્યો ત્યારે દાદીમા કુંતાએ રાખડી બાંધી દીધી હતી. અભિમન્યુ અને માતા કુંતા વચ્ચે થયેલા સંવાદને રજૂ કરતા ગીતની પંક્તિઓ અહીં રજૂ કરી છે. દરેક પંક્તિ વાંચીને સમજવા જેવી છે, કેમ કે ભારતીય સંસ્કૃતિનું હાર્દ એમાં રહેલું છે.
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે...
દીકરા દુશ્મન ડરશે દેખી તારી આંખડી રે.
મારા બાલુડાં ઓ બાળ, તારા પિતા ગયા પાતાળ,
હાંરે મામો શ્રીગોપાળ, કરવા કૌરવકુળ સંહાર...
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.
હે... માતા, પહેલે કોઠે કોણ આવી ઊભા હશે રે?
પહેલે કોઠે ગુરુ દ્રોણ, એને જગમાં જીતે કોણ
કાઢી કાળવજ્રનુ બાણ, લેજો પલમાં એના પ્રાણ...
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.
હે.. માતા, બીજે કોઠે કોણ આવીને ઊભા હશે રે?
બીજે કોઠે કૃપાચાર્ય, સામા સત્યતણે હથિયાર,
મારા કોમળઅંગ કુમાર, એને ત્યાં જઈ દેજો માર...
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.
હે.. માતા, ત્રીજે કોઠે કોણ આવીને ઊભા હશે રે?
ત્રીજે કોઠે અશ્વસ્થામા, એને મોત ભમે છે સામા,
એથી થાજો કુંવર સામા, એના ત્યાં ઉતરવજો જામા...
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.
હે... માતા, ચોથે કોઠે કોણ આવીને ઊભા હશે રે?
ચોથે કોઠે કાકો કરણ, એને દેખી ધુ્રજે ધરણ,
એને સાચે આવ્યાં મરણ, એનાં ભાંગજે તું તો ચરણ...
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.
હે.. માતા, પાંચમે કોઠે કોણ આવીને ઊભા હશે રે?
પાંચમે કોઠે દૂર્યોધન પાપી, એને રીસ ઘણેરી વ્યાપી,
એને શિક્ષા સારી આપી, એના મસ્તક લેજો કાપી...
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.
હે... માતા, છઠ્ઠે કોઠે કોણ આવીને ઊભા હશે રે?
છઠ્ઠે કોઠે મામો શલ એ તો જન્મોજનમનો ખલ,
એને ટકવા નો દઈશ પલ, એનું અતિ ઘણું છે બલ...
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.
હે... માતા, સાતમે કોઠે કોણ આવીને ઊભા હશે રે?
સાતમે કોઠે એ જયદ્રથ ઈ તો લડવૈયો સમરથ,
એનો ભાંગી નાંખજે દત, એને આવજે બથ્થમબથ...
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.