ઓરેન્જ કેન્ડી
દીદી આવી ગઈ, દીદી આવી ગઈ", કરતાં વસ્તીના દસ-બાર બાળકો એને ટોળે વળી ગયાં. દર રવિવારે સાંજે આ બાળકો દીદીની રાહ જોતાં.
છેલ્લાં કેટલાક સમયથી આ સિલસિલો ચાલુ હતો. દર રવિવારે સાંજે બરાબર પાંચ-સાડા પાંચ વાગ્યે દીદી ઓરેન્જ કેન્ડી લઈ હાજર થઈ જતી. બાળકોને કેન્ડી ખાતાં જોઈ એના મનને પારાવાર શાંતિ મળતી અને એ પોતાની બધી પીડા વિસરી જતી.
આ નિર્દોષ બાળકોને ક્યાં ખબર હતી કે એ જેને દીદી કહી રહ્યા છે એ એક કોલગર્લ છે. બાળપણમાં આ ઓરેન્જ કેન્ડી ની લાલચમાં એક અબુધ બાળકીનું શરીર ચૂંથાયું હતું. એની નિર્દોષતા, એનું હાસ્ય, એનું બાળપણ પણ શરીર સાથે ચૂંથાઈને ગાયબ થઈ ગયું હતું.
પોતાની જેમ બીજા બાળકોની જિંદગી પણ બરબાદ ના થાય એ માટે એ દર રવિવારે સાંજે ઓરેન્જ કેન્ડી લઈ ને આવતી. વસ્તીના બાળકો પાસેથી વચન પણ લેતી કે ક્યારેય કોઈ અજાણ્યા વ્યક્તિ પાસેથી લાલચમાં આવી કોઈ પણ વસ્તુ ના લે અને બાળકો ના કેન્ડી ખાઈ લીધા પછી એ પોતાની ગાડીમાં પાછી જતી રહેતી.
- શીતલ મારૂ (વિરાર).