ખોટી અફવા ખોટી વાતો, ક્યાંથી લાવું સાચી વાતો,
પૈસાથી દાબી દીધી સારા લોકોની સારી વાતો.
રોટી, ઘર, ધંધા -પાણી ને રસ્તાના છે પ્રશ્નો નાના,
સૌના કામે આવી નહિ, મોટા લોકોની મોટી વાતો.
આતંકીઓને ફાંસી આપી, ગુંડાને ગોળી મારી,
અખબારોમાં આવી આજે, તાજી ધટના તાજી વાતો.
લોકો કાયમ દ્વિધામાં રહે, સાચું શું છે! ખોટું શું છે!,
ક્યાંયે તાળો બેસે નહિ, અખબારીને સરકારી વાતો.
પાછળથી લોકોને વાંકુ કહેવાની આદત છે ખોટી,
કરવી છે તો કર સામી છાતીએ આવી સીધી વાતો.
મરજીવા જેવું જીગર રાખો તો મોતી મળશે નક્કી,
હું શાયર છું, મારામાં છે 'સાગર' જેવી ઊંડી વાતો.
રાકેશ સગર ,સાગર, વડોદરા