રોગ ના પકડાય ત્યારે પણ દવા કરવી પડે,
દાકતરો ને મંદિરોની આવ-જા કરવી પડે.
જો તમારે વારસો સંસ્કાર સાચવવા હશે,
તો નવી પેઢીને જૂની વારતા કરવી પડે.
જાણવાનું કેટલું બાકી રહ્યું એ જાણવા,
જાતની જાતે તમારે જાતરા કરવી પડે.
વૃક્ષ કાપ્યા ભૂલથી તો ચાલો ઉગાડો ફરી,
હાલ તો વરસાદને બસ યાચના કરવી પડે.
થાય સારું આપનું એવી જો ઈચ્છા હોય તો,
થાય સૌનું સારું એવી કામના કરવી પડે.
કામયાબી પામવી હો સાવ સાચી રીત થી,
તો તમારે સૌ પ્રથમ તો સાધના કરવી પડે.
હોય ગુન્હા એમના તોયે અમારે તો પ્રશાંત,
જાતને ક્યારેક બહું ખોટી સજા કરવી પડે.
.......પ્રશાંત સોમાણી