વાળ મારાં ખરવાં લાગ્યાં,
ઉંમર મારી વધારવાં લાગ્યાં,
છું તો હજી નાનો જ..
પરિપક્વ મને દેખાડવાં લાગ્યાં..!!
યુવાની હજી ફૂટી જ છે,
દિવસો હજી શરુ થયા છે,
ખોભરી જા...!! શેની ઉતાવળ છે આટલી..??
સફેદ પણ અત્યારથી થવા લાગ્યાં છે..!!
એકાદ બે હોય તો ઠીક છે, સમજ્યાં હવે..
પણ આ તો પ્લૉટ બુકીંગની જેમ ઝુંડમાં ટાલ પાડવાં જ લાગ્યાં છે.!!
કેટ કેટલી દવા કરી,
કેટ કેટલાં વૈદ્ય કર્યા,
રોજ નવા તેલ નાખી,
નત-નવા અખતરા કર્યા..!!
બુડથલ તને ખબર પડે છે..!!?
તને સાચવવા કેટલાં કીમિયાં કર્યા.!!
ખાવામાં પણ કાળજી રાખી ..!!
પણ તે નીમ્ભર બની, પ્રયાસો મારાં વખોડ્યાં જ કર્યા..!!
તું કહે તો દીવા અગરબત્તી કરું,
મનાવવા તને હું જપ તપ કરું,
આરતી ઉતારવી છે..?? તો એમ કહી દે..
કે પછી તને સાચવવા હું ગરબા કરું..??
શરમ કર, કેટલું ધ્યાન રાખું છું,
સૌથી વધારે હું તને ચાહું છું,
નફ્ફ્ટ છે તું સાવ યાર..!!
જો તો ખરી હું તને કેટલું માન આપું છું..!!
અવગણવાની પણ કંઈ રીત હોય..
સહનશક્તિની પણ કંઈ સીમા હોય. .!!
તું છે રીસાયેલાં પ્રેમીની જેમ.!!
ખોટી ટણી બતાવી મારાંથી જ દૂર જાય છે
ઘણાં લોકોનો તે બહિષ્કાર કર્યો.!!
ભલભલાં તારાથી ગભરાય છે..!!!
કોઈ તો ગુરુચાવી આપી દે તને સાચવવાની યાર..!!
આટલો શું ભાવ ખાય છે.???
એકવાર બોલી દે શું સમસ્યા છે તારી.??
બધુંજ કરી ચુક્યો છું..!!
કોઈકવાર તો સમજ બળતરા મારી..!!
જન્મ્યો ત્યારથી તું સાથે છે,
મારાં મરણનાં ગઢપણનાં ફોટોમાં પણ તારે સાથે રહેવાનું છે
બાળોતિયાંના સંબંધો સાચવવા પડે સમજ...
નાલાયક..કેવું કેવું બોલી સમજાવું પડે છે.!!
આ તો કંઈ રીત છે..??
પોતાનાંને જ મનાવવું પડે છે.!!
ચલ છોડ..!! બોલ્યું ચાલ્યું બધું માફ કર..
ફરીથી ખેતી ઉગાડવાની શરૂઆત કર..
ખાતર પાણીની તું ચિંતા ના કર...
તું બસ હૃષ્ટપુષ્ટ તારો દેખાવ કર...
બીજું બધું જાય તેલ લેવા..
વાળ, બસ તું મોજથી ઉડ્યા કર....