ભગવાન, તમે બસ પુસ્તક છપાવો,
એ પુસ્તકમાં તમે જીવતા શીખાવો,
ઈજારો તમારો જ રહેશે;
તમે બસ તમારું પ્રકાશન શરું કરાવો.
ઘણાં પુસ્તકો છે જ તમારાં નામથી,
પણ બધામાં થોડો તફાવત..!!
મૂંઝવણ મારી આ દૂર કરી,
ભગવાન...,
તમે સત્તાવાર "તમારું પુસ્તક" છપાવો.
એમાં મારા અસ્તિત્વનું તમે ધ્યેય જણાવો,
કઈ દિશામાં જવું એ કારણ બતાવો,
ધ્યેય પ્રાપ્તિમાં પાપ ન થાય;
એવો સાચો માણસ બનવાનાં રસ્તા બતાવો.
પ્રિય......,
આવી રીતે શરૂઆત કરો,
લિખિતન તમારા ભગવાન,
આવી રીતે પૂર્ણ કરો.
વચ્ચે વ્યક્તિગત વાતો લખી;
શરૂઆતથી જ તમે પા-પા પગલી કરાવો.
બધાં વ્યવસ્થિત એમાં નિયમો આપો,
અલગ અલગ પરિસ્થિતિઓનું વિશ્લેષણ આપો,
શું કરવું, ન કરવું, એની વિગતવાર યાદી આપો,
શ્રદ્ધા-અંધશ્રદ્ધાની વાત એમાં ચોખી સમજાવો;
શું માનવું, શું ન માનવું, એ બધું તો એકદમ ઘાટું છપાવો.
હું સમજી શકું, એવું નાનું-મોટું ભાષણ પણ આપો.
જીવન ગોટાળે ચડે, ત્યારે રખાતાં સાવચેતીનાં પગલાં તો ખાસ છપાવો.
તમારી બધી જ એમાં વ્યાખ્યા આપો,
અનુભવોનાં તમારા દાખલાં આપો,
છૂટે કઈ નહીં, એ ખાસ ધ્યાન રાખજો;
બસ જીવવાનો તમે વ્યક્તિગત ભોમિયો છપાવો.
એક પુસ્તકમાં ન આવે,
તો અલગ અલગ ભાગમાં છપાવો.
રંગીન ચિત્રો સાથે નહીં તો કઇ નહીં;
માત્ર શબ્દો છાપી, તમારો ખર્ચ બચાવો.
અરે ખર્ચ બધો હું ભોગવીશ ચલો,
તમે બસ દરેક મુશ્કેલીઓનું નિરાકરણ બતાવો.
ભગવાન, તમે બસ પુસ્તક છપાવો...