નિરાશા ક્યારેય સારી નથી હોતી
હાર કોઈને સ્વીકાર્ય નથી હોતી
જઈને પૂછો સ્મારકોને
ઘર કરેલી એકલતા સારી નથી હોતી.
ચૂપચાપ બેસવું, કંઈ ન બોલવું,
જોતા રહેવું , બધું જ સહેવું,
ભડકે બળતાં આતમનું,
બધું જ વેઠીને જડ થવું.
વર્ષો બસ વહેતાં રહે,
ઉઝરડાં પડતાં રહે,
શૂન્ય બની ચિત્ત આંખોથી,
એકીટશે ઝરતું રહે.
કોઈની દરકાર નથી,
કોઈનો ગણકાર નથી,
ઢોંગી દેખાવ છે,
એકલતાનો પાર નથી.
નકશો અકબંધ છે,
કારાવાસનો પ્રબંધ છે,
સ્થિરતા મૃગજળ સમી,
શૂન્યતાનો સબંધ છે.
દેખાતું બધું સાચું નથી હોતું,
ગમતું બધું થાતું નથી હોતું,
વર્ષોથી એક જ રીત છે અહીંયાં,
ઇતિહાસનું પાનું ખાલી નથી હોતું.
ઇતિહાસનો પણ ઇતિહાસ છે,
એમ જ કઈ "સારું","ખરાબ"નથી હોતું.