મારી કવિતા...
તુ બિન્દાસ,બેફીકર
ગમે ત્યારે કલ્પનાના ઘોડા દોડાવીને
કેટલી આસાનીથી ઢસડી કાઢે છે કવિતા.
અને મારી કવિતા...
બળી જાય છે રોટલી શેકતાં શેકતાં
ને વહી જાય છે નાલીમાં કપડાં ધોતાં
ઝાડું મારતા સાફ થઇ જાય છે
ને નીચોવાય જાય છે, મારી જેમ ગંદા પાણીએ પોતાં મારતા
મારી કવિતા..
ઉલઝી જાય છે
છતે બાઝેલા જાળા ઉતારતા
ને પડે છે ઉખડી પોપડાની માફક
કરુ છું જયારે દીવાલ સાફ
ટીંગાઇ છે ટુવાલ સૂકવતાં
થઇ છે આંખે થી ઓઝલ દોરો સોયે પરોવતા
ફસાય છે છીદ્રોંએ તારા કમીજના બટન ટાંકતા
સહિયારા સર્જનના પ્રતિક
એવા બાળ ગોપાળના દેકારામાં દબાઇ જાય છે
અને ભળી જાય છે કુંડામાં પાંગરતા
છોડની માટીમાં ખાતરની જેમ..
મારી કવિતા..
ઘર સમાજ પરિવારને સંભાળતા....
તારા દંભમાં
અને છેવટે એક ધગધગતી આહ નીકળે છે
રસોઈ ઘરની ચીમનીએથી
પ્રયત્ન કરજો
જો વાંચી શકો તો
મને પણ
મારી કવિતાની માફક
અમો સ્ત્રી પણ એક કવિતા જ તો છીએ.
- વિજય રાવલ