સંભોગથી સમાધિ સુધીના લખ્યા લેખ વિધાતાએ.
એમાં તું આમ નાભીપ્રજ્ઞ બનવાની કોશિષ ના કર.
વિફર્યે બની ગોડસે,તો એ વીંધશે ગોળીએ સરેઆમ,
ગમે ત્યાં મન ફાવે તેમ ગાંધીના અભિનય ના કર.
તોડી અહંમ લંબાવ્યું મેં તો ભિક્ષાપાત્ર તારી સમક્ષ,
ને ઠાલવીને ઠાલી હૈયાવરાળ આમ હૈયું હળવું ન કર.
ઝુકાવું શીશ નિશદિન શ્રદ્ધાએ તારા દરબારમાં,
તો તું મને સમજી બકરો બલીનો આમ વધ ના કર.
રાખવા ને સ્મરણ ભીના જો દઈ ગયા આંખે ચોમાસું,
હવે આળ દઈ આંખે પાળ બાંધવાની કોશિષ ના કર.
નિરર્થક છે યત્ન સ્વયમ ને બુદ્ધ સાબિત કરવાનો,
ખુદ પર " વિજય" મેળવવા તું આડેધડ યુદ્ધ ના કર.
- વિજય રાવલ