આજે મંત્રમાં રહેલી શક્તિ વિશે વાત કરીશ. જેમ જેમ તમે મંત્ર જપતા જશો તેમ તેમ તેનાં સ્પંદનો પ્રાણ સાથે ભળતાં જશે. આ સ્પંદનો ક્રમશઃ વૈખરીમાંથી મધ્યમાની કક્ષાએ, ત્યાંથી પશ્યંતિની કક્ષાએ અને અંતમાં પરાવાણીની કક્ષામાં ઊતરે છે. આ પ્રત્યેક સ્તર પર એની અસર અલગ અલગ અનુભવાય છે.
1. વૈખરી સ્તરઃ- જ્યાં સુધી તમે સ્થૂળ કક્ષાએ મંત્ર જપતા રહેશો ત્યાં સુધી માત્ર સ્થૂળ શરીરની શુદ્ધિ થાય છે. આ કક્ષાને વૈખરી કહે છે. આ તબક્કે તમને મંત્રશક્તિનાં સ્પંદનનો અનુભવ જીભના ટેરવે અથવા મુખની અંદર સ્પંદિત થશે.
2. મધ્યમા સ્તરઃ-સ્થૂળ શરીરની શુદ્ધિ જ્યારે વધી જશે ત્યારે મંત્ર ઊંડો ને ઊંડો ઊતરીને કંઠપ્રદેશમાં ગુંજવા લાગશે. ત્યારે સમજવું કે મંત્ર હવે મધ્યમા વાણીની કક્ષાએ પહોંચ્યો છે. આ સ્તરે તમને દિવ્ય તંદ્રાવસ્થા, પરમ ચૈતન્યની સ્થિતિનો અનુભવ થશે. નિદ્રા આનંદમય બની જશે અને તમને ઘણાં પ્રકારનાં દૃશ્યો દેખાશે. આ કક્ષાએ એક મંત્રજાપનું સામર્થ્ય સ્થૂળ કક્ષાના મંત્રજાપ કરતાં સો ગણું વધારે હોય છે.
3. પશ્યંતિ વાણી સ્તરઃ- અહીં મંત્રજાપ હૃદયમાં થવા લાગે છે. હૃદય એ મનનું ઉગમસ્થાન છે. અહીં જન્મ-મરણરૂપી બંધનમાં નાખનાર ઊંડા સંસ્કારોનાં બીજનો સંગ્રહ રહેલો હોય છે. માટે તેને સુષુપ્તિ સ્થાન પણ કહે છે. મંત્ર જ્યારે આ કક્ષાએ પહોંચે છે ત્યારે અહીં જમા થયેલાં સુક્ષ્મ સંસ્કારોનાં બીજ બળી જાય છે અને તેની શુદ્ધિ થાય છે. સાધકને ઘેરી નશા જેવી સ્થિતિનો અનુભવ થાય છે. અંતરમાં આનંદની લહેરીઓ ઊઠે છે.
4. પરાવાણીનું સ્તરઃ- મંત્ર જ્યારે નાભિસ્થાનમાં ઊતરે છે ત્યારે આત્માને સ્પર્શે છે. આ પરાવાણીનું સ્તર છે. અહીં પહોંચ્યા પછી મંત્ર અને તમારો અંતરાત્મા શુદ્ધ ચેતનરૂપે એક સાથે સ્પંદિત થાય છે. આત્માનો પ્રકાશ સ્વયં પ્રગટ થાય છે. આ કક્ષાએ પહોંચ્યા બાદ મંત્ર પ્રયત્નપૂર્વક જપવો પડતો નથી. સાધક પ્રત્યેક ક્ષણે તેને ધબકતો અનુભવે છે. પરાવાણીની કક્ષાએ થતો જપ એ હકીહતમાં પૂર્ણ અહમ વિમશનું સ્પંદન બની રહે છે. એને જ કહેવાય છે શુદ્ધ ચૈતન્ય, શુદ્ધ આત્માનો અનુભવ. આ માત્ર થિયરી નથી. જો આને સમજીને આચરણમાં ઉતારશો તો તમે પણ વિશુદ્ધ આત્માની દિવ્યતાનો અનુભવ માણી શકશો. હું પોતે અઢી વર્ષની સાધના પછી ત્રીજા સ્તર સુધી પહોંચી શક્યો છું.
--ઓમ નમઃ શિવાય--
ડો. શરદ ઠાકર