કોકના હાથમાં કટારી છે,
આપણી પણ જવાબદારી છે.
ઝાડનો પણ વીમો ઉતારું હું ,
વાત સૌથી અલગ વિચારી છે.
હાથ પગમાં પડી ગયા છાલા,
ભૂખની ગાડી પર સવારી છે.
માળીએ છોડી દીધું એનું કામ?
બાગમાં કાંટાની પથારી છે.
તેથી જાણીતી લાગે છે સૌને,
પીડા ગત જન્મની પધારી છે.
શુધ્ધ મનથી લખેલી છે ગઝલો,
મારા સૌ શેર બ્રહ્મચારી છે.
કોઈ લાચારી તો નથી 'સાગર',
ભાગ્યમાં એક હાથ લારી છે.
રાકેશ સગર, સાગર, વડોદરા