ધર્મ: પાયાના વિચારો.
ભારતની અંદર લોકો વિવિધ અંધશ્રદ્ધાને અનુસરે છે કેમકે વર્ષોથી પેઢી દર પેઢી તેમ કરવા ટેવાયેલા છે. દાખલા તરીકે જુદી-જુદી માનતાઓ માનવી અને પછી એને પુરી કરવી. જો પૂરી ન કરીએ તો દેવી દેવતા નારાજ થાય અને પોતાને નુકસાન કરશે તેવું માને છે આથી માનતાઓ પૂરી કરવા માટે ઘણા બધા પૈસાનો ખર્ચ કરે છે. બીજું એકે દેવી-દેવતાઓના દર્શન માટે ઘણી બધી જાત્રાઓ કરે છે આ જાત્રાઓ આખા દેશમાં જુદા જુદા સ્થળોએ હોય પ્રવાસમાં ખૂબ પૈસા વપરાય છે તેમજ સમય અને શક્તિનો વ્યય થાય છે. જોકે આવું બધું કરવાથી મનને થોડી શાંતિ અને રાહત જરૂર અનુભવાય છે બાકી કોઈ વિશેષ લાભ નથી. તેમ છતાં લોકો પોતાને આનંદ આવે કે પછી મહોત્સવ માટે આવી બધી પ્રવૃત્તિઓ કરે છે તેમજ ખૂબ પૈસા વાપરે છે . ઘણી જગ્યાએ ધજા ચડાવવા માટે લાખો રૂપિયાની બોલી બોલાય છે તો વળી આરતી કરવા માટે પણ હજારો રૂપિયા બોલાય છે. વધુમાં પૂજામાં બેસવા માટે પણ બોલીઓ બોલાતી હોય છે. આવી પ્રવૃત્તિઓને જ ધર્મનું આચરણ સમજવામાં આવે છે. આજકાલ લોકોને ધર્મ શું છે ધાર્મિકતા શું છે આ બધી ખબર નથી બસ આંધળુકિયા નિરર્થક પ્રવૃતિઓ કરે છે અને માને છે કે પોતે ધર્મને અનુસરે છે અને ધાર્મિક છે માટે સારા માણસ પણ છે તેમજ આવું બીજા સમજે તેવી પણ ધારણા મનમાં સેવે છે. ખરેખર ધાર્મિકતા એ ઈશ્વર સાથેનો પોતાનો અંગત સંવાદ છે નહીં કે કોઈ દેખાદેખીનો વિષય. આપણી ધાર્મિકતા અને ધર્મ મંદિરના પગથિયા, ફૂલોની માળાઓ અને ધજાઓ તેમજ મંજીરા વગાડવા સુધી સીમિત બની ગઈ છે. જ્યાં આત્માના દરવાજા ખોલવાની વાત છે પ્રભુ સાથે તન્મયતાથી જોડાવાની વાત છે તે તો જાણે સાવ વિસરાઈ ગયું છે. મહત્વની બાબત એ છે કે આપણે આપણા મનથી નિખાલસ અને નિર્મળ બનીએ તો જ પ્રભુનો પ્રકાશ અને ચેતના આપણી અંદર પ્રવેશી શકશે અને સારા તેમજ શુભ વિચારોનું આગમન થશે જો તમારો ઘડો અભિમાનના પાણીથી છલોછલ ભરેલો હશે તો કદાપિ ઈશ્વર સાથેનું સાનિધ્ય સાપડશે નહીં, મન લોભ અને લાલચથી ભરપૂર છે, પૈસા અને પાવર પાછળ પાગલ બન્યું છે, કોઈની પ્રગતિ જોઈ ઇર્ષા આવે છે. નાની અમથી વાતમાં ગુસ્સે થઈ બીજાનું અપમાન કરાય છે. જીવનમાં સ્વાર્થ સિવાય બીજી બાબતો ગૌણ બની ગઈ છે. અને એથી જ ક્યાંય શાંતિ નથી મન હંમેશા ઉદ્વેગમાં રહે છે. ખોટી ફોર્મ્યુલાથી સાચો ઉત્તર મળતો નથી.