આ જગત અમને ઝુકાવે વાતમાં કઇ દમ નથી,
પણ હ્રદયના મામલે હારી જતાં નાનમ નથી.
સુખની કિંમત માણસે માણસમાં નોખી હોય છે,
ખારવાને માછલી મોતીથી સ્હેજે કમ નથી.
આ હવાની એક મર્યાદા જુઓ કાયમ રહી,
હરઘડી એ શ્વાસ બનવાને અહીં સક્ષમ નથી.
આ બધા પ્રતિબિંબ અંદર બ્હારથી બદલાય બસ,
માત્ર દર્પણ વેચવાનો આપણો ઉપક્રમ નથી.
બસ તમે નક્કી કરી લ્યો ઝૂલવું કે ઝૂરવું?
એકપણ મોસમ તમારી ડાળ પર કાયમ નથી.
– ગૌરાંગ ઠાકર