ખુદની કિંમત જો તમે આંકી શકો,
શક્ય છે બ્રહ્માંડને માપી શકો.
કાળમીંઢા કાળજા કૂણા પડે !
સાવ સાચું સ્મિત જો આપી શકો.
આવનારી પેઢીઓ લણતી રહે,
સદવિચારો જો તમે વાવી શકો.
માછલીએ પૂછ્યું માછીમારને :
આખ્ખો દરિયો બાનમાં રાખી શકો ?
આ પવનની પાલખી તૈયાર છે,
પુષ્પતાને જો તમે પામી શકો.
– સુરેશ વિરાણી