19-4-2020 "શ્રી" મત કહો
ફાયનલી 3 મે સુધી નો નવો ટાસ્ક મળી જ ગયો. પહેલા જે લોકો ના દિવસ એમ જ નીકળી ગયા એટલે કે જે લોકો ને બીજા નુ જોઇને વિચાર આવ્યો હતો કે "મેં તો આવું કઇ કર્યું જ નહી. આવુ પણ કરવા જેવુ હતુ" એ લોકો માટે અનોખો અવસર આવી ગયો.
રામાયણ મગજમાં એવું ઘર કરી ગયું છે કે આજે જ પત્ની ને ભુલ થી કહેવાઈ ગયું કે "દેવી આપ ભોજન કા પ્રબંધ કીજીએ મેં અભી સ્નાન કર કે આતા હું" ત્યાં જ સામે થી તરત જ જવાબ આવ્યો "જેસી આપકી આજ્ઞા પ્રભુ. મે આપકી ચરણો કી દાસી સદૈવ અાપ કી સેવા કે લીયે તત્પર રહેતી હુ" (આ સાંભળી મારી આંખો તો ભીની થઇ આવી બોલો)
આપણી પાસે એક નહી પણ ત્રણ-ત્રણ ધોની છે. એટલે કે આ લોકડાઉન ને લીધે આપણે જ્યંતી રવી અને શિવાનંદ ઝા જેવી હોનહાર પર્સનાલિટી ને ઓળખતા થયા.
રામ હવે તારી ગંગા ચોખ્ખી થઈ ગઈ અને હિમાલય પણ દૂરથી દ્રશ્યમાન થવા લાગ્યો છે. કુદરતે એક નવા સુંદર સમાજની રચના કરવા નવો અવસર આપતા બધું જ પહેલા જેવું કરીને આપી દીધુ. હવે આપણે એને કેટલુ ચોખ્ખુ રાખી શકીએ છીએ તે તો હવે જ જોવુ રહ્યુ.
મિત્રો સાથે પાર્ટીઓ કરી ખાતા અપલખ્ખણીયા હવે એટલા તરસ્યા થયા છે દારૂ માટે કે જ્યાં ત્યાં ફાંફા મારે છે. તો આ બાજુ તમાકુ ગુટખા વાળાની સ્થિતિ પણ એકદમ દયનીય છે. સરકાર ને નમ્ર વિનંતી કે આ લોકોની માંગ "જરા પણ પુરી કરવામાં ના આવે" ભલે ને કબજિયાત ના કેસ વધી કેમ ના જાય.
કોઈ કારણોસર કે કોઇ પ્રસંગમાં પિયર ગયેલી પત્ની પાછી આવતા પહેલા લોકડાઉન ચાલુ થઈ ગયું હોય અને પત્ની પિયર માં જ રહી ગઇ હોય એવા પતિઓ ની સ્થિતિ કેટલી કફોડી હશે. સરકારે આનો પણ સર્વે કરવો જોઈએ અને આવા લોકો ને પણ સહાય મળી રહે એવા પ્રયત્નો કરવા જોઇએ.
ગરીબો કલાકો સુધી તડકામાં ઉભા રહી, રાશન ની મોટી લાઈનોમાં ઉભા રહી કે મફત મળતી સેવામાં હાથ ફેલાવી એક ટંક નુ જમવાનું માંડ મેળવે છે ત્યાં જ હવે મધ્યમ વર્ગ વાળાને થોડું પેટમાં દુખી આવ્યુ છે કે ગરીબોની બધું મફતમાં મળી આવે છે અને અમીરોની કશી જ જરૂર નથી તો અમે કેમ રહી જઈએ ?
હવે પેલા ચેલેન્જ એસેપ્ટેડ વાળા પાછુ કંઈક નવું લઈને આવશે અને નવી વાનગીઓ ના અખતરા પાછા પતિઓ પર ચાલુ થશે. ત્યાં જ બીજી બાજુ કુકિંગ ની ચેલેન્જ એસેપ્ટ કરી ચુકેલા ઘર ના પતિદેવો હવે સાડી પહેરીને પણ બતાવે તો નવાઈ નહીં.
"દરેક વાહનોને રોકવાના જ છે" એવા આદેશ ના પાલન ને અનુસરવા 42* ડિગ્રી તાપ માં રસ્તા પર ઉભા રહી મોઢે માસ્ક બાંધી પરસેવાથી રેબઝેબ શરીર સાથે પોલીસ આવી ને કહે કે "સાહેબ ઘરમાં રહો સુરક્ષિત રહો" પણ આવા અનેક પ્રયત્ન કર્યા પછી પણ લોકો વાત ના માને તો "મોર બોલે" એ સ્વાભાવિક છે.
હમણાં ફોટો પડાવવા માટે સેવા કરતા લોકો નુ માર્કેટ એટલુ ગરમ છે કે અમુક ફોટો માં તો ખબર પણ નથી પડતી કે પોતે દાન કરે છે કે દાન લઇ રહ્યા છે.
"જો ચાઇનાથી મારા શહેર સુધી આવી શકે છે તો મારા ઘર સુધી કેમ ના આવી શકે ?" આ વાક્ય ને ગંભીરતા થી વિચારવા ની જરુર છે.