#Ambedkar jayanti
Bhimaravaram Ambedkar
આજે વાત કરવી છે એક કાયદાશાસ્ત્રીની, એક રાજનેતાની, જે એક તત્વચિંતક, એક નૃવંશશાસ્ત્રી, એક ઇતિહાસકાર, એક અર્થશાસ્ત્રી, એક રાજકારણી, એક નિબંધકાર, એક જ્યુરીસ્ટ, એક Sociologist, એક માનવશાસ્ત્રજ્ઞાતા, એક શિક્ષણવિદ્દ, એક લેખક, એક તત્વજ્ઞાની, એક સમાજ સુધારક, એક પત્રકાર, એક ક્રાંતિકારી, એક પ્રાધ્યાપક, એક political scientist, એક વક્તા, એક સ્વતંત્રતા સેનાની, એક constitutionalist, એક દૈનિક સંપાદક, એક નાગરિક હક્કોના વકીલ અને એક માનવતાવાદી પણ છે.
આ કોઈ અલગ અલગ વ્યક્તિઓની વાત નથી, આ માત્ર એક જ વ્યક્તિની વાત છે જેણે 14 એપ્રિલ ૧૮૯૧ ના રોજ મધ્યપ્રદેશના મહુમાં એક સામાન્ય અછૂત ગણાતા મહાર કુટુંબમાં જન્મ લીધો અને ૨૯ એપ્રિલ ૧૯૪૭ ના રોજ પોતાના સચોટ વિચારો થકી ભારતભરમાંથી અશ્પૃશ્યતાને કાયદા દ્વારા નાબુદ કરી બતાવી.
આ એજ વ્યક્તિ છે કે મહારાષ્ટ્રના વતની હોવા છતાં પણ તેના કોલેજ શિક્ષણ માટે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે સ્કોલરશીપની વ્યવસ્થા કરી અને મુંબઈની પ્રખ્યાત એલ્ફીન્સ્ટન કોલેજમાં અભ્યાસ કર્યો.
આ એ જ મહાન ચરિત્ર છે જે ભારતના પ્રથમ કાયદામંત્રી બન્યા અને ભારતીય બંધારણસભામાં નિભાવેલી જવાબદારીને કારણે 'બંધારણના ઘડવૈયા' તરીકે પણ ઓળખાયા. આ વિરલ વિભૂતિ એટલે ભીમરાવ રામજી આંબેડકર. તેઓ બાબાસાહેબ આંબેડકર ના હુલામણા નામથી પણ ઓળખાય છે.
અમેરિકાની કોલમ્બિયા યુનિવર્સિટીમાંથી 'પ્રાચીન ભારતીય વ્યાપાર' વિષય ઉપર મહાનિબંધ લખી ૧૯૧૫માં કોલમ્બિયા યુનિવર્સીટી માંથી એમ.એ.ની ઉચ્ચ પદવી પ્રાપ્ત કરી અને એ જ યુનિવર્સિટીમાં 'બ્રિટીશ ભારતમાં મુલ્કી અર્થવ્યવસ્થાનો વિકાસ' વિષય સાથે ૧૯૧૬ માં પી.એચ.ડી ની પદવી હાંસલ કરી અને આંબેડકર માંથી ડૉ. આંબેડકર બની ગયા.
વડોદરામાં યુવાન ભીમરાવે આભડછેટનાં લીધે ખુબ જ હેરાન થવું પડ્યું હતું અને એ જ વ્યક્તિએ ૨૩ ઓક્ટોબર ૧૯૨૮ ના રોજ "સાયમન કમિશન" સમક્ષ અછૂતોના પ્રાણ પ્રશ્નો અને તેના નિરાકરણ ઉપર રજૂઆત કરી હતી.
સતત ખરાબ તબિયતને કારણે ૬ ડિસેમ્બર ૧૯૫૬ની વહેલી સવારે દિલ્લીમાં તેમના પ્રાણ અને શરીર અલગ થયા. મરણોપરાંત ૧૯૯૦માં આંબેડકરને ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારતરત્નથી નવાજવામા આવ્યા.
હજુ તો કેટલીય વાતો છે જેનાથી ડૉ. આંબેડકર એક અલગ વ્યક્તિ તરીકે નિખરે છે. તેમની જ્ઞાન મેળવવા માટેની સતત ભૂખ, પુસ્તકો વાંચવા અને તેનો સંગ્રહ કરવો, સામાજિક ભેદભાવ વિરૂદ્ધ ઝૂંબેશ, પોતાના રાજનૈતિક હકો અને સામાજિક સ્વતંત્રતા માટેની લડતો વગેરે જેવી અનેક પ્રવૃતિઓ આપણા માટે તો એક પ્રેરણા-સ્ત્રોત સમાન જ છે. બાબાસાહેબ ના જીવન વિશે હજી કંઈક નવું જાણીએ અને તેમાંથી કંઈક આપણા જીવનમાં પણ ઉતારીએ.
હશે ધગશ જો ઉધમ માટે સતત પ્રયત્નો કરવા માટે
તો સફળતા બનશે તમારી નામ ઉજ્જવળ કરવા માટે