પોપટ પાંજરે પુરાણો
(આ પોસ્ટ ફક્ત એ લોકો માટે જ છે જેને લોકડાઉન નુ પાલન એકદમ ચુસ્તપણે કર્યું છે. મારી લોકડાઉન ખુલ્યા પછી ના દિવસ ની કલ્પના)
અને આખરે આજે એ દિવસ આવી જ ગયો.
22 માર્ચ રવિવાર ના રોજ એક દિવસ ઘરમાં રહી વિતાવેલા જનતા કરફ્યુ પછી મોદી સરકાર ના રાજ માં ૨૧ દિવસ નુ લોકડાઉન જનતા માટે બહુ જ મોટું હોલીડે પેકેજ નીકળ્યું. મોટી મહામારી વચ્ચે થોડી ચિંતા, થોડી કાળજી અને થોડી સાવચેતી થી વિતાવેલા આ દિવસો ભારત ના ઇતિહાસ ના પુસ્તક માં "કોરોના" એક ચેપ્ટર બની ને રહી જશે અને સાથે સાથે આપણી આવનારી પેઢી આપણે આપેલા 21 દિવસ ના બલિદાન ને અચુક યાદ પણ કરશે.
ચલો લોકડાઉન પુરુ અને ઓફિસ આજ થી ચાલુ એ વિચાર સાથે અાળસ મરડી ને હું વહેલો ઉઠી ગયો. આરામ ઘર કરી ગયો હતો પછી કંટાળો આવ્વો સ્વાભાવિક હતુ. ઘરના ઝાંપાની બહાર નીકળતા જ આજે એક અલગ આનંદ આવ્યો. બહાર પગ મુકી સૂર્યની કિરણો અને ખુલ્લા આકાશ ને બહુ દિવસ પછી આજે નિહાળ્યુ. પશુ-પક્ષીઓ ને મે ટગરટગર નિહાળ્યા અને એમણે મને. ચપટીમાં આવી જાય એટલી ધુળ રોજ વપરાતા વાહનો પરથી ઉતરી ગઇ અને એ જ પહેલાની જેમ હું તૈયાર થઇને ઓફિસ જવા માટે નીકળ્યો. સુમસામ પડી ગયેલા રસ્તા આજે પાછા ભીડભાડ થી ઉભરાવા લાગ્યા. સ્કુલ નો પેહલો દિવસ જેટલો કંટાળાજનક હોય એવો જ દિવસ આજે ઓફિસ માં જશે અને કામ કરવુ જરા પણ નહી ગમે એવો અહેસાસ આજે સવાર થી મને થતો હતો. આજે ઓફિસ જતા ઘરના ને "જય શ્રી કૃષ્ણ" કહેતા આનંદ અનુભવ્યો કે દુખ એ હજુ પણ મને સમજાયુ નહી.
કામની પેન્ડેન્સી તો ઠીક પણ પહેલા તો હું શું-શું કામ કરતો હતો એ પણ યાદ કરવા માં આખો દિવસ નીકળી જવાનો હતો. આજે પાછી ઠંડી રોટલી ખાવાની અને સાહેબની બકબક સાંભળવાની તૈયારી ઘરે થી જ મે કરી લીધી હતી. આરામ એટલો થઇ ગયો હતો કે થોડા કામમાં પણ આજે વધુ થાક લાગવા નો હતો અને સૌથી અઘરુ તો એ હતુ કે બપોરે જમ્યા પછી રોજ કરેલી નિંદર પણ આજે પાછી મારી આંખો નુ સરનામુ પુછી જ લેશે એ ભય પણ એટલો જ સતાવી રહ્યો હતો. વારંવાર આવતા બગાસા ઉંઘ ની યાદ અપાવતા હતા અને આંખ ઘડિયાળ પર મંડરાતી રહેતી કે હવે ક્યારે ઘરે જવા મળશે. "આરામ ના દિવસો હવે ગયા" એ વિચાર મગજ મા બેસાડતા હજુ એક-બે દિવસ લાગશે અને પાછા જવાબદારી ના પોટલા ખભા પર મુકી ને પોતાની જિંદગી માં વ્યસ્ત થઇ જઇશુ.
૨૧ દિવસમાં બનેલા પારિવારિક સ્વભાવને પાછુ સામાજિક બનતા બનતા થોડી વાર લાગી જ જતી હોય છે. લોકડાઉન માં બનેલા બનાવો ની ચર્ચા મહિનાઓ સુધી ચાલશે અને તેમાં પણ પરિવાર સાથે વિતાવેલી દરેક ક્ષણ આજીવન યાદ આવતી રહેશે.
કોઇએ વિચાર્યું હશે ?..... કે દિલ થી દુર સાથે રહેતા લોકો ને કોરોના આમ નજીક લઇ લાવશે ?