દર્દની સાથે દવા મળશે તને,
લખ ગઝલ, થોડી હવા મળશે તને !
બ્હાર મંદિરથી જરા નીકળીને જો,
ક્યાંક તો ઈશ્વર ઊભા મળશે તને.
મોત વિશે પણ જરા તું કર વિચાર,
જીવવાની એક વજા મળશે તને.
તું ગઝલ લખવાનું બહાનું કાઢજે,
ત્યારે જન્નતમાં રજા મળશે તને.
મારી ગઝલો એટલે અલ્લાનું ઘર,
શેરમાં મારા ખુદા મળશે તને !
એક-દિ બીજા જ રસ્તે જઈને જો,
એક-બે રસ્તા નવાં મળશે તને.
જિંદગીમાં જે મળે, સાચાં 'નિનાદ',
મોત વેળા તો બધાં મળશે તને !
- નિનાદ અધ્યારુ