હું છું કોરોના
હા...હા.....હા....હા
મારા પુરોગામીઓ જે કરી ન શક્યા તે મેં આજે કરી દેખાડ્યું. અમારો આકાર ભલે નાનો હોય પણ અમારો પ્રભાવ ભયંકર છે. જ્યારે કોઈ ન હતું ત્યારે પણ અમે હતા અને જ્યારે કોઈપણ નહીં હોય ત્યારે પણ અમે હોઈશું. અમારું અસ્તિત્વ અમારી સફળતાની નિશાની છે.
મારો મનુષ્યના શરીરમાં પ્રવેશ ૨૦૧૯ માં થયો પણ એનો એવો અર્થ નથી કે પહેલાં મારું અસ્તિત્વ નહોતું. ૨૦૧૯ માં એક ચીની વ્યક્તિએ હું જેના શરીરમાં હતો તે ચામાચીડિયાંનું સુપ પીધું અને મને મોકો મળ્યો મનુષ્યપર આક્રમણ કરવાનો. હું મારા પુરોગામીઓ કરતાં પ્રભાવશાળી નિવડ્યો. તેનું મુખ્ય કારણ છે મારી ઝડપ અને બીજું કારણ છે મારી દવા નથી શોધાઈ.
અમે પણ સૃષ્ટીનું સંતુલન બગાડવા નથી માગતા પણ મનુષ્ય અમને મજબૂર કરે છે આવું કરવા. અમને પણ ઈશ્વરે જીવવા માટે જુદા શરીરો આપ્યાં છે, જેની અંદર અમે આસાનીથી જીવીએ છીએ અને તે જીવને નુકસાન પણ નથી થતું. ખુદ મનુષ્યોના શરીરમાં પણ અમારા બંધુઓ રહે જ છે, જે મનુષ્યો માટે ઉપયોગી હોય છે. એચ આઈ વી નામના અમારા બંધુ ગોરીલાના શરીરમાં રહેતા હતા. એચ એસ એન નામના મારા ભાઈ પક્ષીઓના શરીરમાં રહેતા હતા અને ઐસ આઈ વી ડુક્કરના શરીરમાં. તમે જ અમને તમારા શરીરમાં આમંત્રિત કર્યા અને હવે તમે જ મને બદનામ કરો છો.
હવે તમને ચેતવણી આપી દઉં કે તમે અમારો નાશ કદી નહી કરી શકો કારણ અમે બહુરુપી છીએ. અમારી જિજીવિષા તમારા કરતાં પ્રબળ છે અને અમે જ તમારા પ્રતિસ્પર્ધી છીએ. અમારો સંપુર્ણનાશ એ તમારું ગજું નહી. તમે અમારી એક પ્રજાતિનો નાશ કરશો તો અમે ફરી રુપ બદલીને આવીશું.
છતાં જો તમે સુલેહ ચાહતા હો તો હું કહીશ જીવો અને જીવવા દો ની નિતી અપનાવો. સજીવોની ખેતી કરતા હો તો જુદા જુદા સજીવોને અલગ રાખો. તેમના શરીરમાં અમારા બંધુઓ રહે છે તે ભેગા થશે તો નવી પ્રજાતિ આવશે. શું ખાદ્ય , શું અખાદ્ય તેનો ફરક જાણો. સ્વચ્છતા જાળવો. ,( સાલું કોને સમજાવી રહ્યો છું ! મારાથી થતી બિમારીનો ઈલાજ શોધાશે એટલે પાછું જૈસે થે. એકદમ સ્મશાનવૈરાગ જેવું)
અમારો નાશ કરવાનું સ્વપ્ન છોડી દો અને હાથ મિલાવો. જેને જ્યાં છે ત્યાં જીવવા દો. બાકી સમજી લો કે હું તો શરુઆત છું. મારાથી પણ ઉગ્ર બંધુઓ આવશે જેનાથી ત્રાહિમામ પોકારી જશો.
#બરાબર