લઈ હાથમાં ગુલાલ તું તૈયાર છે હવે !
મારો હતો એ આપણો તહેવાર છે હવે
હોળીનું ફંડ લાવશે એના ઘરેથી કોણ?
આ વાત પર યુવાઓમાં તકરાર છે હવે.
બાકી હતો જે રંગ, ઉમેરી દીધો છે તેં
મરજી મુજબ પૂરો થયો શણગાર છે હવે
તારા બદનના સ્પર્શને પામી ગયા છે તો
મહેકી જવાને કેસુડાં હકદાર છે હવે
રંગો ચઢ્યા પછી અને પલળી ગયા પછી
સંયમમાં જાત રાખવી બેકાર છે હવે
કોને ખબર? છે રંગનો કે ભાંગનો નશો
એ પાર જે હતું બધું આ પાર છે હવે
રંગોને જોઈ આજ ફરી વહેમ તો થયો !
મારો સમય મને જ વફાદાર છે હવે
ભાવિન ગોપાણી.