પ્યાસ પરથી એય સીધા જામ પર આવી ગયાં
બે મુલાકાતો વધી તો નામ પર આવી ગયાં
એ.સીની સર્વિસ થાતી જોઈ પીળા પાન સૌ,
હક રજા પર ઉતરી ને આરામ પર આવી ગયાં.
હું ફકત ઠંડી હવા ખાવા ગયો તો ખેતરે,
લોક પૂછે શહેર છોડી ગામ પર આવી ગયાં?
વાત ખાલી બે દીવાલો તૂટવાની તો હતી,
આપણે અલ્લાહ પર ને રામ પર આવી ગયાં.
બંધ કે હડતાળ પણ લાંબો સમય ચાલી નહીં,
ભૂખના માર્યા મજૂરો કામ પર આવી ગયાં.
કાલ 'સાગર' પી જવાનો જેમનો દાવો હતો,
આજ એ મૃગજળ ભરેલા જામ પર આવી ગયાં.
રાકેશ સગર, સાગર ,વડોદરા