મારા ને એના બેઉનાં મેં પારખાં કર્યાં,
પથ્થર મળ્યા તો ઊભા રહી, ચાંદલા કર્યા.
બાજુના ઘરને આવી જરા અમથી હેડકી,
મારા ઘરે ય રાતભર ઉજાગરા કર્યા.
સામે તમે મળ્યાં, ને સમાધાન થઇ ગયું,
આંખોએ આંસુઓના હાથે પારણાં કર્યા.
સુખને દીધું છે રમવા હૃદય એ રીતે અમે,
બાળકને દઇ રમકડાં, ઘરે આવતાં કર્યા.
પ્રગટી ગઇ જે પીડ તે પસ્તી થઇ ગઇ,
અંદર રહી ગઈ તો એણે લાખનાં કર્યા.
જ્ઞાનીઓ જે જગાને નરી બિનનિપજ કહે,
કુંભારે તે જ માટીમાંથી માટલાં કર્યા.
– સ્નેહી પરમાર