પ્રેમની વાતો !
નજર આવે છે તને ? ઢળતા ઢળી ગયો સૂરજ પણ એની રોશનીની અસર હજી આ લહેરાતા દરિયા પર અકબંધ છે. બસ આમજ ક્યારેક હું અગર ઓઝલ થઇ જાઉં જો તારી આંખોથી પણ મારા પ્રેમની રોશની તારા જોડે આમજ અકબંધ રેહશે.
શબ્દોમાં તો શું જતાવી શકું કે કેટલો પ્રેમ છે આ હૃદયમાં તારા માટે ? પણ હાં ! એટલું જરૂર કહીશ કે તારી આંખોમાં લહેરાતા દરિયાને કદી બહાર ઉભરાવા નઈ દઉં !
તારા ચહેરા પર રમતી નટખટ નખરાળી હસી, અને વારે વારે એને છંછેડતી એ વિખરાયેલા વાળ માંથી છૂટી પડેલી લટને આમ ફરી ફરી જોવું ગમે છે મને ! મારી નજરથી તારી નજર મળતા ધીમેકથી તારું આમ નજરને નીચે ઝુકાવી લેવું મને તારી તરફ ખેંચી જાય છે. જોને ! જેમ આકાશ અને આ લહેરાતો દરિયો એક ક્ષિતિજ પર આવી ભેગા મળે છે એમ ભુલાવી સઘળું બસ તુજમાં ભળી જવું છે ! દરિયાની આ ઠંડી લહેર રેતની કોરી સપાટીને સ્પર્શતા એક ગજબની પ્રણય ઉષ્મા સર્જાય છે એમ આપણાં બંને વચ્ચે તારા મારા હોંઠોનું મિલન તન મનમાં લાખો તરંગો છેડી જાય છે.
સાક્ષી બની હોય જાણે એમ પ્રકૃતિ પણ આપણાં પ્રેમને સહાયક બનતી જાય છે. ઠંડી ઠંડી હવામાં તારું આમ મુજને આલિંગનમાં ભરવું, કંઈ જ ના કહીને હોંઠોથી પણ એ મૌનમાં ઘણું બધું તારું આમ કહી જવું મુજને, બળજબરી એ મિચેલી એ આંખો તારી અને હાથ રાખી મારા હૃદયે મારા શર્ટ ને તારી મુઠ્ઠીમાં ચોળવું, અને આ સિસકતા હોંઠ તારા આપણા બંનેને પ્રણયના અનોખા બંધનમાં બાંધી જાય છે.
" તું ના કહી ને પણ ઘણું બધું કહી જાય છે !
કરને પ્રેમ ! જો હવે આ સંઘ્યા ઢળી જાય છે. "
મિલન લાડ. " મન "