Ma Khodal Born 1200 Year Ago
મહાદેવના વરદાનથી 1200 વર્ષ પૂર્વે મા ખોડલ અવતર્યા હતા, જાણો ઇતિહાસ
એક શિવભક્ત નિ:સંતાન દંપતીના હૃદયનો આર્તનાદ એટલો પ્રચંડ હતો કે દેવાધિદેવ મહાદેવને પણ એક બે નહીં આઠ આઠ સંતાન પ્રાપ્તિનું વરદાન આપવું પડયું અને તેમાનું એક સંતાન એટલે આદિશક્તિ મા પાર્વતીના અંશ સ્વરૂપ મા ખોડિયાર. બારસો વર્ષ પૂર્વે મહાસુદ-5 વિક્રમ સંવત 807ના મામડદેવ-દેવળબાઇ નામક ચારણ દંપતીને ત્યાં તેમનું પ્રાગટ્ય થયું હતું.
લેઉવા પટેલ સમાજમાં 16 કુળદેવી પૂજાય છે જેમાં 80 ટકાના કુળદેવી ખોડિયાર છે
ગુજરાતમાં 1 કરોડ 40 લાખ લેઉવા પટેલની સંખ્યા છે. લેઉવા પટેલ સમાજમાં 16 કુળદેવી પૂજાય છે. પરંતુ 80 ટકા લેઉવા પટેલના કુળદેવી ખોડીયાર માતાજી છે. લેઉવા પટેલ સમાજના પરિવારોના કુળદેવીના ગામે ગામ મંદિરો આવેલા છે.
કેવી રીતે થયું મા ખોડલનું અવતરણ
ગોહિલવાડના પાળિયાદ પાસે રોહિશાળા ગામમાં મામૈયા (મામડદેવ) રહેતા હતા. તેમના પત્નીનું નામ દેવળબાઇ હતું. શિવભક્ત મામડદેવ તે સમયના વલ્લભીપૂરના રાજા શિલાદિત્યના ખાસ સલાહકાર હતા. જો કે રાજા નિ: સંતાન હતા તો મામડદેવની પણ એ જ સ્થિતિ હતી. કોઇ અંધશ્રધ્ધાળુએ અેવું રાજાના મનમાં ઠસાવ્યું કે આખો દિવસ વાંઝિયા (મામડદેવ) સાથે રહો છો તેમનું મોઢું જૂઓ છો એટલે વંશ થતો નથી. રાજાએ ત્વરિત મામડદેવને દેશવટો આપ્યો. બાદમાં મામડદેવે ભોળાનાથની કરેલી ભક્તિ બાદ સાત જોગમાયા આવળ, જોગળ, તોગળ, હોલબાઇ, બીજબાઇ, ખોડલ અને સાંસાઇ તથા પુત્ર મેરખિયાનો જન્મ થયો. એકવાર ખોડિયાર શિવાલયથી દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે પગથી કંકુના પગલાં પડ્યા વાત પ્રસરી લોકો દૂર -દૂરથી તેમના દર્શને આવવા માંડ્યા.
રાજા ઉપર માતાજીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું
લોકો વસૂકી ગયેલી ગાયો, ભેંસો લઇ આવતા માતાજી તેને દોહી આપતા. તે પશુઓ દૂધ તો ઠીક વાછરડાં, પાડરડાને જન્મ આપતા. રાજા શિલાદિત્યને ખબર પડી તે દર્શને આવ્યા ત્યારે માતાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. પણ પિતા વચ્ચે પડ્યા અને ક્ષમા આપવા કહ્યું. આથી માતા ખોડિયાર શાંત થયા. રાજાને સંતાન પ્રાપ્તિના આશીર્વાદ આપ્યા. રાજાએ ફરી મામડદેવને રાજ દરબારમાં નિયુક્ત કર્યા અને માતાની કુળદેવી તરીકે સ્થાપના કરી માતાએ સદાવ્રત શરૂ કરાવ્યું.
નેવૈદ્યમાં આટલી વસ્તુ ધરાય છે
નૈવેદ્યમાં આઇ ખોડિયારને મોટા ભાગે લાપસી ધરાય છે. ઉપરાંત તલવટ, ચોખા, ચૂરમું તેમજ સુખડી પણ ધરવામાં આવે છે. માતાનું શસ્ત્ર ત્રિશૂલ, વાહન મગર અને પ્રતીક દેવચકલી છે.