તેં આપેલા ફૂલો આજેય કરમાતા નથી,
તને ભૂલી શકું એ યોગ સર્જાતા નથી.
ઘણાં સંતોષના સિક્કા દીધાં છે ઈશ્વરે,
છૂટા હાથે બધાંથી કેમ ખર્ચાતા નથી!
ઘણાંને સમજી લીધાં દૂરથી સારી રીતે,
ઘણાં પાસે રહે છે તોય સમજાતા નથી.
સતત ત્યાં રક્તની શાહી ટપકતી હોય છે,
એના ખત એટલે મારાથી વંચાતા નથી.
જમાનો થઇ ગયો છે વ્યસ્ત એના કામમાં,
હવે કિસ્સા પ્રણયના ક્યાંય ચર્ચાતા નથી.
યુવાની ચૂકવી દીધી છે સો એ સો ટકા,
જગતમાં મા'થી મોટો કોઈ કરદાતા નથી.
મેં જખ્મો સાચવ્યાં છે ફૂલદાનીમાં હજી,
એનાથી વેણીના ફૂલોય સચવાતા નથી.
ગઝલ સારી લખું છું સાચું છે સાગર છતાં,
ગઝલનો હું કોઈ વિદ્વાન કે જ્ઞાતા નથી.
રાકેશ સગર, સાગર, વડોદરા ...