સળગે છતાં ન પ્રગટે એ કેવી કમાલ છે!
આ ઝંખના ઠરે ખરી? બસ એ સવાલ છે
કોરા રહી પલળવું હવે ક્યાં સુધી કહો!
છે પૂર આંખમાં ને હ્રદયમાં અકાલ છે
બીજા ઘણાય જીવ વસે છે ધરા ઉપર
આ માનવીની કેટલી ધાંધલ ધમાલ છે!
દિલમાં ભરી દરદ એ હસે કેટલું સહજ
અભિનયમાં મારી બા હજી પણ બેમિશાલ છે
વાજિંત્ર એક આગવું લઈને ફરે બધા
નોખો છે સૂર સૌનો ને નોખો જ તાલ છે
એ પારકાને ચાહે છે પોતીકા ભાવથી
એક દીકરીના દિલમાં ભર્યુ કેવું વ્હાલ છે!
થઈ બેફિકર જે શ્વાસના ઉત્સવને માણશે
એની જ જિંદગી અહીં હરપળ ગુલાલ છે
કિરણ 'રોશન'