લગાડે લીલુડાં વન આગ ચેતી ચાલજો ભેરૂ.
પડાવે ભારુડાં માં ભાગ ચેતી ચાલજો ભેરૂ.
જરા અમથી સળી હાલે ઉપાડે ગામ આખાને,
કરે છે કાગનો પણ વાઘ ચેતી ચાલજો ભેરૂ.
મફતની મોજ કરવાને લડાવે ભાઇ ભાઈને,
કરે ઉજ્જડ મજાના બાગ ચેતી ચાલજો ભેરૂ,
અહમને પોષવાને કાજ વરવા ખેલ ખેલે છે.
મિટાવે બંધવાના રાગ ચેતી ચાલજો ભેરૂ.
વટાવે કૃષ્ણ કેરું નામ કામો છે શકુનીનાં,
કુડા મનના મળે ના તાગ ચેતી ચાલજો ભેરૂ.
મટે ના લાખ કોશિષે હઠીલા ગૂમડાં જેવા,
ધરમના નામ માથે દાગ ચેતી ચાલજો ભેરૂ.
લગાવી કુંડળી બેઠા સજાવી રાફડા છૂપા,
ડસે છે છેતરી થૈ નાગ ચેતી ચાલજો ભેરૂ.
શરમ આવે શિયાળોને કરમ એવાં કરે કાળાં,
કરે છે ઘા લગાવી લાગ ચેતી ચાલજો ભેરૂ.
ભગાડી ભૂતડાં આ ભાંજગડનાં તો હવે દાજી,
હવે નીંદર મહીંથી જાગ ચેતી ચાલજો ભેરૂ.
દાજી ચૌહાણ