હું કરમ અને હું જ ધરમ થઇ ગઇ છું!
છોલાઇ અણીદાર કલમ થઇ ગઇ છું!
હું ઇક લાઈલાજ જખમ થઇ ગઇ છું.
હું જ નમક હું ખુદ જ મલમ થઇ ગઇ છું!
કોઇ દરદ કોઈ ગમ અડતાં જ નથી,
ફૂંકી મારું હું જ ચલમ થઇ ગઇ છું!
લાજ શરમ સાચવવા આ દુનિયામાં,
બેશરમ બની હું જ શરમ થઇ ગઇ છું!
બટકી જઈશ હવે એ ડર પણ ન રહ્યો,
અક્કડ છોડી સાવ નરમ થઇ ગઇ છું!
ગૂંચ પડી સમજી ઉકેલો શોધો,
પણ, હું પોતે ભેદ ભરમ થઇ ગઇ છું!
અઘરું જીવન સરળ કરી દીધું મેં,
હું મારો જ નવીન જનમ થઇ ગઇ છું!
હું આદિ અને અંત બની બેઠી છું,
પૂજામાં તલ્લીન પરમ થઇ ગઇ છું!
કવિતા શાહ