વનવાસ મળ્યા બાદ રામ ચિત્રકૂટનાં જંગલોમાં રહેવા લાગ્યા, ભરત તેમને પાછા લાવવા રામની કુટિયા પાસે લશ્કર સાથે પહોંચ્યા ત્યારે દ્રષ્ય જોઇને દંગ રહી ગયા
રામાયણનો એક નાનકડો પ્રસંગ છે. ભગવાન રામને વનવાસ થઈ ગયો, તેઓ લક્ષ્મણ અને સીતા સાથે ચિત્રકૂટમાં રહેવા લાગ્યા. તો અયોધ્યામાં રાજા દશરથનું મૃત્યુ થયું અને ભરતે તેમના અંતિમ સંસ્કાર કર્યા અને ક્રિયાકર્મ બાદ રામને પાછા લાવવા ચિત્રકૂટ થાય છે. ભરત જ્યારે રામના આશ્રમમાં ગયા ત્યારે તેમણે જોયું કે, ત્યાં ઘણા સંતો ભેગા થયેલા હતા અને ત્રણ વાતો પર ચર્ચા કરી રહ્યા હતા. જ્ઞાન, ગુણ અને ધર્મ. સંતો સાથે બેસીને રામ આ વિષયો પર ચર્ચા કરી રહ્યા હતા. લક્ષ્મણ અને સીતા ગંભીરતાથી સાંભળી રહ્યાં હતાં.
થોડીવાર તો ભરત જોતા જ રહી ગયા. જે રામને પોતાના નગરમાંથી કાઢીને વનમાં મોકલી દીધા, જેમના રાજતિલકની જાહેરાત કર્યા બાદ તેમને સંન્યાસી બનાવી દીધા, તેઓ કેટલા શાંત મને સંતો સાથે બેઠા છે. પછી ભરત આશ્રમમાં ગયા અને પછી રામ-ભરતને મળ્યા. આ દ્રશ્ય જોવામાં, વાંચવામાં અને સાંભળવામાં સામાન્ય લાગે, પરંતુ તેની પાછળ એક ગંભીર અને ઉપયોગી સંદેશ છે. આપણે પરિવાર સાથે બેસીએ છીએ ત્યારે કયા વિષયો પર ચર્ચા થાય છે? આ દ્રશ્યમાં જુઓ, એક પરિવારના સભ્યો વચ્ચે શું અને કેવી વાતો થવી જોઇએ.
મોટાભાગના પરિવારોમાં એવું થતું હોય છે કે ઘરના સભ્યો સાથે બેઠા હોય તો ઝગડા શરૂ થઈ ગયા હોય કે પૈસા બાબતે વિવાદ ઊભા થયા હોય કે કોઇ ત્રીજી વ્યક્તિની નિંદા કરવામાં આવતી હોય. તેનાથી પરિવારમાં અશાંતિ અને અસંતુલન ફેલાય છે. આપણે જ્યારે પરિવાર સાથે બેસીએ ત્યારે ચર્ચાના વિષય જ્ઞાન, ગુણ, ધર્મ અને ભક્તિ હોવા જોઇએ. તેનાથી એકબીજા સાથેનો પ્રેમ વધશે. વિવાદની પરિસ્થિતિ પણ ઊભી નહીં થાય. આ રીતે પરિવાર સાથે બેસવું સાર્થક રહેશે.