# લોકમિલાપ:એક સદીના કામને સલામ
'લોકમિલાપ' બંધ થાય છે એવા સમાચાર વાંચ્યા ત્યાંજ એવો વિચાર આવ્યો કે એવું શું કારણ ઊભું થયું હશે કે અચાનક
'લોક મિલાપ' બંધ કરવાનો નિર્ણય આવ્યો.સેવાના વટવૃક્ષ પરના પુષ્પો એવા પણ હોય છે જે સમય થતાં ખરવાનું પસંદ કરે છે.પુષ્પ ખરે છે પણ તેમાં રહેલું પુષ્પત્વ ક્યારેય ખરતું નથી તે અમર રહે છે.એવી રીતે લોક મિલાપની ઉત્તમ સાહિત્ય સેવા હંમેશા નોંધપાત્ર રહેશે.
હું લોકભારતીમાં ભણતો ત્યારે અવારનવાર લોકમિલાપમાં ગયો છું,પુસ્તકો ખરીદ્યા છે.ગુજરાતી વાચકોને ઉત્તમ વાંચન ઓછા મૂલ્યે પૂરું પડવાનું કામ લોકમિલાપે કર્યું છે. ગુજરાતીઓને પુસ્તકો વાંચતા કરવામાં લોકમિલાપનો મોટો ફાળો છે.
લોકમિલાપનું નામ સંપાદન ક્ષેત્રે પ્રથમ હરોળમાં કોતરાયેલું છે.
જે તે સાહિત્યમાંથી પસાર થઇને એ સંપાદન યોગ્ય લાગે તો તેને તટસ્થ રીતે મૂક્યું છે.પ્રકાશક પાસે સંપાદનની જે દ્રષ્ટિ હોવી જોઈએ તે લોકમિલાપ પાસે છે.બાકી આજકાલ તો પુસ્તકો પ્રગટ કરવા માટે થઈને,પુસ્તકોની સંખ્યા વધારવા માટે થઇને અમુક સંપાદન થતા હોય એવું જોવા મળે છે.એમાં વાચક સાથેનો કોઈ સેતુ રચાતો જોવા મળતો નથી.જ્યારે લોકમિલાપે આવા મુદ્દાઓથી દૂર રહી પ્રચુર પ્રમાણમાંથી જે જે સત્વવાળું છે તે પ્રમાણસરનું પસંદ કરીને લોકો સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય કર્યું છે.આ સેવાયજ્ઞને જેટલો આવકારીએ,વધાવીએ તેટલું ઓછું છે.આ લોકમિલાપનું સંપાદન કાર્ય બિઝનેસથી પર છે.તેમણે લોકોને શું ઉપયોગી થશે તે આપવાનો પ્રયત્ન કર્યો છે.
લોકોમાં વિચારપરિવર્તન થાય તે લોકમિલાપનો મુખ્ય ઉદ્દેશ રહ્યો છે.
'સંપાદકો બે પ્રકારના હોય છે
એક કે જેઓ મેટરનું ટાઇપ સેટિંગ,પ્રિન્ટિંગ અને પબ્લિશિંગ કરાવીને પોતાના નામે એક પુસ્તક ચડાવે છે.
બીજા સંપાદકો કે જેઓ વિશ્વભરમાંથી ઉત્તમ સાહિત્યનું ચયન કરીને તેને પાચ્ય સ્વરુપમાં વાચકની માનસિક તંદુરસ્તી માટે હાજર કરે.આવા સંપાદકો નીરક્ષીર વિવેક ધરાવતા હોય છે.જે દૂધનું દૂધ અને પાણીનું પાણી તારવી લે છે.'
'અરધી સદીની વાચનયાત્રા' તેમનું બેસ્ટ સેલર પુસ્તક મેં શરૂઆતમાં જ 2003માં ખરીદ્યું હતું.
'અરધી સદીની વાચનયાત્રા' 654 પાનાંનું પુસ્તક માત્ર 75 રૂપિયામાં આટલું સસ્તું કોણ આપે ? કોઈ પ્રકાશન નહીં.
લોકભારતીમાં અમારા માટે આ પુસ્તક 50 રૂપિયામાં હતું.
મારી પાસે આ પુસ્તકની વધારે નકલો ખરીદાયેલી હતી.તેમાંથી મેં મારા માટે એક નકલ રાખી બીજી વાચક મિત્રોને ભેટ આપી દીધી હતી. અને ઘણાને સામેથી ખરીદાવી પણ ખરી.
તેમનું એક બીજું સંપાદન 'રોજેરોજની વાંચનયાત્રા' જેમાં 60 ઉત્તમ લેખો.(દરરોજ 5 મિનિટનું વાંચન 60 દિવસ સુધી રોજનું એક પાનું) જેનું મૂલ્ય માત્ર 7 રૂપિયા
હું ગુજરાતી પુસ્તકોની વાત કરતા એટલું કહીશ કે જો તમારી લાઈબ્રેરીમાં 'અરધી સદીની વાચનયાત્રા' પુસ્તક નથી તો તમારી લાઈબ્રેરી હજી સદ્ધર નથી.
શરતચૂકથી ક્યાંક જોડણીની ભૂલોવાળું પુસ્તક છપાય ગયું હોય તેવામાં લોકમિલાપ માત્ર વાચકોની માફી માંગીને છટકી ના જાય પણ એ ભૂલ વાળું પુસ્તક વાચકો જમા કરાવે અને એની નવી શુદ્ધ આવૃત્તિ 50 ટકા કિંમતે લઈ જાય એવી જાહેરાત કરીને પોતાને પોતાની ભૂલનો દંડ આપે.
લોકમિલાપ ભાષા બાબતે એમ માનતું કે આપણે બોલીએ તેવું કેમ ના લખીએ.એમ કરી એમના પહેલાના પુસ્તકો જોઈએ તો તેમાં આપણને જુદી લિપિ જોવા મળે છે.જેનાથી એ સમયમાં ભાષા અને લિપિ જાળવવાનું કામ થતું જોવા મળે છે.
લોકમિલાપે સાહિત્યના બીજા પણ ઘણા કાર્યો કર્યા છે.
લોકમિલાપ હંમેશ યાદ રહેશે
અને ફરી નવા આવા કોઈ પ્રકાશન,પ્રકાશકની આશા પણ રાખીશું.
~પ્રવીણસિંહ ખાંટ