૧)
જેમને પૂરો પરિચય છે જ નહિ,
એમણે મશહૂર રાખ્યો છે મને.
૨)
હું મને ના ઓળખું ને એ ક્ષણોમાં પણ 'જિગર',
મેં મને જાણ્યા કર્યાનો ભ્રમ સતત પોષ્યા કર્યો.
૩)
એ દૃશ્ય આ પળે પણ છે એટલું જ અક્સીર,
એનું સ્મરણ થયું ને બંદાને ધ્યાન લાગ્યું.
૪)
જૂના શરાબ જેમ જ ચડશે સવાર કાલે,
એવા ખયાલમાં બસ ઢીંચ્યા કરી છે રાતો.
૫)
એક પળનું સત્ય બીજી પળે ધ્વસ્ત જોઈને,
મારી સમજ હવે મને બહુ ટોકતી નથી.
૬)
એવું નથી હમેશ ઉજાગર એ થાય છે,
એવા ઘણાં છે સત્ય જે મારા સુધી રહ્યા.
૭)
એ વાતે મુક્તિ એને આપી હશે શ્રીરામે,
માથાં તો દસ હતા પણ એક જ હતો ચહેરો.
૮)
મારાથી મારું કેટલું અંતર ખબર પડે,
ઢસડે છે એમ એ હવે મારા તરફ મને.
૯)
જડતી નથી બધાને સ્મરણની અનંતતા,
આવી અભાનતાનો ન કોઈ ઇલાજ હો.
૧૦)
તને બસ એ જ કહેવું છે કે બહુ નાજુક સ્થિતિમાં છું,
તને કહેતો નથી કે તું મને સંભાળવા આવે.
૧૧)
તારા ઉપર શંકા જઈ શકતી નથી કોઈ રીતે,
છેવટે મારા ઉપરથી ઊઠી ગઈ શ્રદ્ધા મને.
૧૨)
શ્રદ્ધા હશે નહીં તો જરૂરત નહીં રહે,
શ્રદ્ધા હશે તો સાચવી લેવાનો શામળો.
૧૩)
કશું બોલ્યા વિના આપી દઉં છું સ્મિત આછેરું,
જગતની માનસિકતા પર કરું છું વ્યંગ આ રીતે.
૧૪)
આવીને ખાનગીમાં આપી ગયા સમર્થન,
'શાબાશ' બોલતાં જે જાહેરમાં ડરે છે.
૧૫)
પુસ્તકો લઈ રોજ એ શોધે જવાબ,
જિંદગી પૂછે સિલેબસ બહારનું.
Happy birthday
Jigar Faradiwala
17/11/2019