તું અમસ્તો પણ મળે કારણ વગર,
ને મને શંકા પડે કારણ વગર.
હું મિલનની ખેવના રાખુંને તું,
દૂર પરભારો ફરે કારણ વગર.
તું નહી આવે તે ખબર છે તે છતાં,
રાતભર દીવો બળે કારણ વગર.
માછલી તો તરફડે પાણી વિના,
પાણી શેનું તરફડે કારણ વગર.
ટેરવાં શું એવા તેજાબી હતા,
આ ઉઝરડાં ના પડે કારણ વગર.
હૈયે છે તે હોઠ પર તો આવે છે,
કોણ શરમાવે તને કારણ વગર.
એક બસ દર્પણ હતું તૂટી ગયું,
આમ' બિન્ની 'કાં બને કારણ વગર.