પ્રથમ મેં કરેલી દુઆ યાદ આવી
પછી તેં દીધેલી સજા યાદ આવી
ન ખંડિત થવા દીધું એકાંત મારું
મને જિંદગીની કૃપા યાદ આવી
અકારણ સતત જોઈને હસવું તારું
પરીની કોઈ વારતા યાદ આવી
ફરી આજ કંપારી છૂટી છે અમને
ફરી આજ એની દયા યાદ આવી
ડૂબે કોઈ હોડી તો એ શોક પાળે
કિનારાની કોને વ્યથા યાદ આવી ?
હસ્યો છું અમસ્તું,ન ચિંતા કરો કૈં
અમસ્તી જ એની જરા યાદ આવી
-હર્ષ બ્રહ્મભટ્ટ