વહેલી સવારે ઘરેથી નિકળતાજ તેની પત્નીએ કાગારોળ મચાવેલી."ભાડું ઉઘરાવવા આવતા શેઠના મહેતાજી આગળ, બે દિવસથી ગપ્પા મારી બાજી સંભાળી છે,પણ હવે નહિ ચાલે આજે ખાલી હાથે ના આવતા ,નહિતર ચાલી ની આ ખોલી ખાલી કરવાનો વખત આવશે!!"
અજવાળુ થતા તે રેલ્વે સ્ટેશનના ખૂણે, ચાની કિટલી પર અડધી ચાની ચુસકી લેતા લેતા....
રેલ્વેયાર્ડના બહારના ભાગે મુસાફરોની જ્યાં અવર-જવર હતી તે ,ફ્લાયઓવર બ્રિજના પગથિયા પાસે સફેદ ચાદર ઢાંકેલી લાશની બાજુમાં પાથરેલા કપડામાં આવતાજતા લોકો ગજવામાંથી છુટા રુપિયા અને સિક્કા ને નાખતા જતા હતા તેને આખો દિવસ લોલુપ નજરે જોતો રહ્યો.
***********
રાત્રિના ઘેરા અંધકારમાં એક સફેદ વાન આવી ને ,લાશને ગોઠવતા પહેલા ,પાથરેલા કપડામાં પૈસા એકત્ર કરી તે ડ્રાઇવરની બાજુની શીટમાં ગોઠવાયો.
થોડા સમય પછી વાન શહેરની સરકારી હોસ્પિટલના પોષ્ટમોર્ટમ રુમના પાછળના દરવાજે ઉભી હતી. ત્યાં ઉભેલા ઇન્ચાર્જના હાથમાં ,કપડામાંથી થોડા પૈસા આપી તે બોલ્યો," આ આજનુ ભાડું..."
ઘરે પરત ફરતા મનમાં બોલ્યો," હાશ....ખોલી ખાલી કરવી નહી પડે."
---------------------
દિનેશ પરમાર નજર