વિજયી સ્મિત
- ડો. રંજન જોષી
ગેસ પર ચા, કાનમાં ફોન, એક હાથમાં શાક અને બીજા હાથે કપરકાબી લેવા જતા તન્વીના હાથમાંથી કપ સર્યો અને એના તૂટવાનો અવાજ સાંભળીને કશ્યપ બોલ્યો.
"અરે પણ શાંતિથી કર ને. કોણ જાણે શું ઉતાવળ છે? બધું અત્યારે જ કરી લેવું છે.."
હસતા મુખે ચાના કપ સાથે તન્વી બોલી. "પણ સમય જ ક્યાં છે? હજી મારે સ્કૂલે જવાનું છે, મ્યુઝીકનું રેકોર્ડિંગ કરવાનું છે.." પર્સમાંથી મૂવીની બે ટિકિટ તેણે કશ્યપના હાથમાં મૂકી. કશ્યપ બરાડ્યો. "તારે આટલું કામ છે ને પિક્ચર પણ જોઈ લેવું છે?"
"હા... પછી સમય જ ક્યાં છે? ચાલ હવે સાંજે મળીએ સીધા થિયેટર પર." તન્વી આમ જ કાયમ દોડતી રહેતી અને એક દિવસમાં પાંચ દિવસનું કામ કરી લેતી.
થિયેટરથી ઘર તરફ આવતા ગાડીમાં બેઠેલી તન્વી પરસેવે રેબઝેબ થવા લાગી. આંખોના ડોળા અધ્ધર ચઢી ગયા. હોસ્પિટલે પહોંચ્યા તો ડોક્ટરે કહ્યું. તેઓ બ્લડ કેન્સરના છેલ્લા સ્ટેજ પર છેલ્લા શ્વાસ લઈ રહ્યા છે. તન્વીના મુખ પર સમયની રેસમાં જીતવાનું વિજયી સ્મિત હતું.