# ચાર્ટડ ની વ્યંગ નોટ્સ # CA.Paresh K.Bhatt
***** અસત્યવાન ની સાવિત્રી *****
સ્વર્ગમાં હલચલ મચી ગઈ હતી . સ્વર્ગ BBC , સ્વર્ગ CNN , સ્વર્ગ આજતક , સ્વર્ગ ટીવી, સ્વર્ગ ન્યુઝ ૨૪ વગેરે દરેક ચેનલ પર બસ એક જ ચર્ચા હતી . કોઈ નો ઇન્ટરવ્યુ કે કોઈ ની મુલાકાત બધા ના મુખે એક જ ચર્ચા કે આજે અસત્યવાન ના મૃત્યુ પછી ફરી સાવિત્રી જંગે ચડી છે . તેણે સુરજ દાદા ને , બ્રહ્માજી ને , યમ રાજા ને , ચિત્રગુપ્તજી ને બધા ને અપીલ કરી છે કે અસત્યવાન જીવતો થવો જ જોઈએ . એ જીવતો નહી થાય તો હું પ્રાણ ત્યાગ કરીશ . આમ કહી તેણે પ્રેસ કોન્ફરન્સ ભરી છે . સૌ દેવો ની ઈમરજન્સી મીટીંગ બોલાવાઈ . ચિત્ર ગુપ્તે બ્રહ્માજી ને કહ્યું સાવિત્રી નું આયુષ્ય તો ઘણું લાંબુ છે. જો એ પ્રાણ ત્યાગ કરશે તો આપણો ચિત્ર ગુપ્ત નો ચોપડો ખોટો ઠરશે . સ્વર્ગ લોક માં આપણી વિશ્વસનીયતા પર સવાલ ઉઠશે . અસુરલોક વાળા રાહ જોઈ ને જ બેઠા છે કે દેવલોક નો કોઈ ચર્ચા નો મુદ્દો હાથ આવે. મીડિયા વાળા પણ ટાંપી ને જ બેઠા છે . ધીમે ધીમે પબ્લિક વધતી જાય છે . સાવિત્રી ખોળા માં અસત્યવાન નું માથું લઈ ને બેઠી છે . તેના બે બાળકો પણ તેની પાસે રડે છે. ક્લાઈમેક્સ એકદમ જોરદાર છે. દેવો પણ ચિંતિત છે કે ભૂતકાળ માં પણ સાવિત્રી ની હઠ આગળ નમતું જોખવું જ પડેલું . પણ એ વખતે તો મીડિયા હતું નહી એટલે એટલી પબ્લીસીટી નહોતી થઇ પણ હવે જો આવું થાય તો આબરૂ ના કાંકરા થાય. સૌ દેવો ખુબ ચિંતિત છે . કોઈ ઉપાય સુજતો નથી.
ત્યાજ નારદજી પ્રેવેશે છે , નારાયણ નારાયણ કહે છે . સૌ દેવો ને ચિંતિત જોઈ ને વિગત જાણે છે. નારદજી કહે પ્રભુ આપ આટલા ચિંતિત ન થાવ હું હમણાં ઉકેલ લાવી આપું છું . એમ કહી ને મંડપ પાસે જઈ ને સાવિત્રીના કાન માં કશું કહે છે ને સાવિત્રી એ તરત જ સત્યાગ્રહ સંકેલી લીધો . બધા જ મીડિયા વાળા ને નવાઈ લાગી . દેવો પણ આશ્ચય ચકિત થઇ ગયા . ભગવાન કૃષ્ણ નારદજી ને એક બાજુ લઈ જઈ ને પૂછે છે શું કહ્યું તમે કાન માં ?
નારદજી કહે કે મેં ફક્ત એટલું જ કહ્યું કે “ બેટા સાવું , તને ખબર નહી હોય કે અસત્યવાને બે નમ્બર ના ધંધા ની કમાણી માંથી તેનો ૧૦૦ કરોડ નો જીવન વીમો લીધેલો છે .
अस्तु .