જે આંખે અશ્રુના તોરણ હશે
ને કરમાં મમતાનો સિંધુ હશે
એ નકકી મારી મા હશે
જેના. મનની છીપમાં જતનથી સાચવેલું
મારા. નામનું મોતી હશે
એ નકકી મારી મા હશે
જેના નયનોમાં રાહનું અંજન
ને પલકો વાટ બિછાવી હશે
એ નકકી મારી મા હશ
જેની ઉર ધબકના હર તાલે
મારી સફળતાનો ઉદ્ ગાર હશે
એ નકકી મારી મા હશે!
(2)
મા,
ગોષ્ઠી કરવાની વેળા આવી ને
તારા સગપણની ગાંઠ છૂટી ગઇ
મા,
તારી સાથે મનભરી વાતો કરવાની વેળા આવી ને
મિલનની ગરથ ગાંસડી. છૂટી ગઇ
મા,
તારો સહવાસ માણવાની વેળા આવી ને
મારી તરસ અકબંધ રહી ગઇ
ઝૂરતો ખાલીપો
ઝર ઝરતો ખાલીપો
વલપતો ખાલીપો
સીસકતો ખાલીપો
હીબકતો ખાલીપો
ખણકતો ખાલીપો
રણકતો ખાલીપો
ઇશની જેમ
એક છતાં અનંત રૂપે
સાકાર- નિરાકાર ખેલ કરે છે
મારી આગળ-પાછળ
મારી અડખે-પડખે
ફરે છે મા. આ ખાલીપો
અભિમન્યુને ઘેરી લીધો'તો
ચક્રવ્યુહે એમ!
(3)
મા,
ફકત તારા નામના હલેસે તરૂ ખું
તારા નામની મહેંદી લસોટી
રંગ હૈયામાં ઠાંસી ઠાંસીને ભરૂ છું...મા.
ૠચા કે શ્લોક કશું યાદ નથી રહેતું
તારી રટનને શ્વાસમાં ભરૂ છું...મા
નથી કોઇ તીરથ અદકેરૂ લાગતું
તારી છબી થી ભીતર હરખું છું...મા.
ફિકર કે અબળખા નથી કશું પામવાની
તારી યાદથી શુષ્કતા લીલીછમ કરુ છું...મા
મા,