૩૭૦
તારું મારું સહિયારું ને મારું મારા બાપાનું.
દુઃખના ડુંગર તૂટી પડ્યા, લખાણ એવું છાપાનું.
દહીં દૂધમાં પગ રાખીને બહુ બહુ બાજી ખેલી.
માટી સાથે મન જોડે તો તારો અલ્લાબેલી.
ઊંચે જાવા વૃક્ષ જોઈએ, સમજી જાને વેલી.
ઘરથી મોટી હોય કદી ના, સોનાની પણ ડેલી.
હવે નિરાંતે પવન વહે છે, રાજ ગયું છે આકાનું.
તારું મારું સહિયારું ને મારું મારા બાપાનું.
રોજ મ્હેકનો મુશાયરો ને રોજ ફૂલોની વાહ.
તલવારોને તલાક દે તો સામે ઊભી ચાહ.
મંઝિલ જેને સમજે છે તું એ તો છે બસ રાહ.
કદી સાંભળ્યું ઝગડ્યા છે આ ઈશ્વર ને અલ્લાહ !
રોજ દ્વેષના બી વાવો છો, ખેતર નથી જ કાકાનું.
તારું મારું સહિયારું ને મારું મારા બાપાનું.
-હરદ્વાર ગોસ્વામી