પ્રિય વરસાદ,
અમદાવાદ થી અમદાવાદી ઓ ના કરકસર ભર્યા પ્રણામ. તને અમે અપ્રિય છીએ , હેં ? અહીં કેમ નથી આવતો ? બીજે તો રેલેમછેલ ને અમદાવાદ કોરું ધાકોર ! ગયા વર્ષે ખાલી ૩ વાર આવેલો ને આ વર્ષે તો અલપ ઝલપ ખાલી દર્શન આપી ને જતો રહ્યો.તારા વગર છત્રીઓ નળ નીચે પલાળી ને ખાલી ખાલી ખોલી ને નીકળીએ છે ને વોટ્સએપ પર ખાલી વરસાદ ના ફોટા જોઈ ને સતોષ માણીયે છે.( જે અમને પસંદ નથી)
અમદાવાદ ની સડકો સીધી ને લીસી સપાટ...ગાડીઓ દોડે છે પૂરપાટ ! અહો આશ્ચર્યમ !! તારા વગર હજી ખાડા અને ભૂવા પડ્યાં જ નથી !. તારા વિરહ માં અમે દાળવડાં પણ ખાધાં નથી ( ભજિયાં ચાલુ ) . અમે ગમે તેટલું વૃક્ષો નું નિકંદન કરીએ, તને એટલે તો ખ્યાલ છે ને કે શહેર ક - શહેર થાય , પણ વરસાદે કદી ક - વરસાદ ના થવાય.
બેહદ બફારો, મગજ સુધી ચડતો પારો
આવ ને વરસાદ, હવે તો અમને ઠારો !
લિ. ગરમી ની બૂમો પાડતાં, પણ સ્વભાવ મુજબ ખૂબ મસ્તી થી રહેતાં અમદાવાદીઓ