દિવસના ખેતરને ખેડીને સૂરજ તો
રાત્રે પોઢવાને જાય
અંધારી રાતને દેવા ઉજાશ પછી
ચાંદને ઉજાગરા થાય
આશાનું જળ રોજ છાંટે છે મનનો
માળીડો આખી આખી રાત
સોનેરી સપનાના રાતાં કિરણ લઇ
ફૂટે પરોઢની જાત
કૂપળ સમયની ખીલીને ફોરતાં
ઝાકળમાં ફૂલડાંઓ ન્હાય
દિવસના ખેતરને ખેડીને સૂરજતો
રાત્રે પોઢવાને જાય
માળો વીંખાઈ ગયો આખો યે ઝાડથી
ને લટકે સંબંધ કેરી ડાળ
વળગીને મૂળીયાં ,ચોટ્યાં જેમ થડને
એમ પંખીને તરણાથી આશ
સગપણ તો સગપણ છે થોડો સૂરજ કોઈ
ઉગેને આથમી એ જાય
દિવસના ખેતરને ખેડીને સૂરજતો
રાત્રે પોઢવાને જાય....
રમેશ ચૌહાણ