ટિફિન...!
મારા ત્રીજા ધોરણનો આજે પહેલો દિવસ. મને ખૂબ ગમતી મારી શાળામાં આ વેકેશન પછી જવાનું મન નહોતું થતું. સહેજ પણ મન નહોતું થતું. હું મારી શાળામાં કોઈ અજાણી દુનિયામાં શ્વાસ ભરતો હોઉં એવું લાગતું...
આજે દાદા મારી આંગળી પકડીને શાળાના દરવાજા સુધી મુકવા આવ્યા. મારા એક હાથમાં દફતર અને બીજા હાથમાં ટિફિન આપ્યું.
ટિફિન કરતા મારું દફતર વજનદાર હતું, પણ મને આ ટિફિનનો ભાર વધારે લાગતો.
“ભણવામાં ધ્યાન આપજે દીકરા.. અને આ ટિફિન...સમજી ગયોને બેટા...!!” વેદના સભર તરડાતા અવાજે દાદા આટલું માંડ બોલી શક્યા.. પછી તેઓ જતા રહ્યા.. દાદાની ભીની આંખો હું ન જોઈ શક્યો. પણ સમજી શક્યો..
વેકેશન પછી મારા મિત્રો મને નથી બોલાવતા. તેઓ દૂર ઉભા રહીને મારી સામે તોછડી નજર રાખીને જીણું જીણું ગણગણ્યા કરે છે... “રાજના પપ્પા તો.... ખબર છે તને??”
હવેથી... મારે કાયમી મિત્ર તરીકે એકાંતનો ઉછેર કરવો પડશે...!
બે ધોરણ સુધી પહેલી હરોળમાં બેસતો. આજે વર્ગની છેલ્લી હરોળમાં બેસવાનું નક્કી કર્યું. ખૂણામાં બેસવાનું નક્કી કર્યું. કારણ.. આ બારી બહારના દ્રશ્યો મારી સાથે કિટ્ટા નહી કરેને... એટલે..!
ગયા વર્ષે મારા જે મિત્રો હતાં... એ બધાની સાથે મળીને અમે ખૂબ રમતાં... થપ્પો કરતાં.. અને રીશેષમાં મારા પપ્પા બધા માટે એક મોટ્ટું ટિફિન ભરીને ભાગ લાવતા...અમે એ જમતાં. મારા પપ્પાનું દિલ વિશાળ હતું.. એવું મારા મિત્રો કહેતાં.
ત્યાં નવા આવેલાં સાહેબ મારી સામે આવીને કહે..
“તારું નામ શું?” “રા....જ” મેં કહ્યું. પછી નીચે જોઇને બેસી રહ્યો.
“વાહ, ખૂબ સરસ નામ છે. તારા પપ્પા શું કામ કરે છે?”
સાહેબના આ સવાલથી મને પેલા ફૂગ્ગામાંથી હવા નીકળે એમ સંકોચાઈ જવાનું મન થયું. મારી બાજુમાં રહેલા ટિફિન તરફ મારી આંગળીઓ સરકી.
સાહેબે ફરી પૂછ્યું.. “રાજ બેટા, તારા પપ્પા શું કામ કરે છે?”
એ પછી હું વર્ગમાં ખૂબ રડેલો. ટિફિનમાં જમવાની વસ્તુ ઉપરાંત પ્યારી યાદો પણ હતી. હું એ યાદોને બથ ભરીને રડ્યો. છાના રહેવાનું મન નહોતું થતું. હવે એ યાદો મારાથી પ્રકાશવર્ષના અંતરથી દૂર થઇ હતી.
નવા સાહેબે મારા માથા પર હાથ પસવારીને છાનો રાખ્યો.. એટલું યાદ છે.
પછી, વર્ગમાં શું ભણ્યા એ યાદ નથી.
રજા પડી.
હું છેલ્લે રહ્યો.
હું એકલો નહોતો, ટિફિન મારી સાથે હતું.
મારે આ ટિફિન આપવાનું હતું.
મારે આ ટિફિન મારા પપ્પાને આપવાનું હતું.
દિવસ હોવા છતાં... બધાથી છૂપાતા છૂપાતા મેં જેલ તરફ ડગલાં માંડયા..!
લેખન: નરેન્દ્ર જોષી. (૦૨/૦૭/૨૦૧૯)